હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે, આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે. અને આવતીકાલે (13 જૂન) અમદાવાદ, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી પરંતુ મેઘરાજા એક દિવસની પણ રાહ જોયા વિના અમદાવાદ આવી પહોંચ્યા છે અને અમદાવાદીઓને પાણીથી તરબોળ કરી દીધા છે. ત્યાં જ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.
તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા કોર્પોરેશનની પ્રી મુનસુન કામગીરીની પણ પોલ ખુલી ગઇ છે.અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યાં જ વીજળીના જોરદાર કડાકા પણ થઇ રહ્યા છે. સાઉથ બોપલમાં વરસાદી ઝાપટું પડ્યું છે. અમદાવાદ પૂર્વના વસ્ત્રાલમાં પણ ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે ત્યાં જ પાલડી, એલિસબ્રિજ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદના આગમનથી લોકોને ગરમીથી રાહત મળી છે.