શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને લઈને ફરીથી માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઈડલાઈનનું સોમવારથી ફરીથી અમલ કરાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પણ જાહેર સ્થળો પર કોઈ પણ પ્રકારની ગાઈડલાઈનનું લોકો પાલન કરતા કે કરાવતા જોવા મળ્યા ન હતા. કોરોનાના કેસમાં વધારો થયો હોવા છતાં લોકો જાહેર સ્થળો પર માસ્ક વિના બેરોકટોક અવર-જવર કરી રહ્યા છે.કોરોનાના કેસ સામાન્ય થતાં લોકો માસ્ક પહેરવાનું ભૂલ્યા છે. ગાઈડલાઈન્સ પ્રમાણે જાહેર સ્થળો પર લોકો ન તો સોશિયલ ડિસ્ટન્સ ફોલો કરે છે ન તો ઓથોરિટી દ્વારા સેનેટાઈઝેશન કરવામાં આવે છે.
મોલના સ્ટાફે માસ્ક તો પહેરેલા હતા પરંતુ એન્ટ્રી પર કે ફ્લોર પર ફરતા લોકોને ન તો માસ્ક પહેરવા કહેવામાં આવ્યું ન તો કોઈ સેનેટાઈઝર ઉપલબ્ધ હતા. 10માંથી ફક્ત 2 વ્યક્તિઓ માસ્ક સાથે જોવા મળ્યા હતા તેમ કહી શકાય. કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે મોટાભાગના લોકો જાહેર સ્થળો પર માસ્ક પહેરતા નથી.ગીતા મંદિર બસ સ્ટેશન પર સ્વચ્છતાનો અભાવ તો છે જ પણ તેની સાથે લોકો પણ જગ્યાને ચોખ્ખું રાખવાનો પ્રયાસ નથી કરતા. ગીતા મંદિર બસ સ્ટેશનના સંપૂર્ણ વિસ્તારમાં લોકો એટલી હદે બેદરકાર જોવા મળે છે કે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે તેની પણ તેમને કોઈ ચિંતા હોય તેવું લાગતું નથી. આ તસવીર તેની સાબિતી છે.