ગઈકાલે ભરૂચ ભાજપના સાંસદ અને દિગ્ગજ આદિવાસી નેતા મનસુખ વસાવા એ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતાં ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવી ગયો હતો.
તેમણે પોતાના રાજીનામાનો પત્ર પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યો હતો અને સાંસદ પદેથી રાજીનામાનો પત્ર તેઓ લોકસભાના અધ્યક્ષને સોંપવાના હતા. પરંતુ આ જાહેરાત બાદ થયેલા રિસામણા-મનામના બાદ આખરે બુધવારે મુખ્યમંત્રી રુપાણી, સીઆર પાટીલ, ગણપત વસાવા સાથેની બેઠક બાદ મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેંચ્યું છે.
તેઓએ મીડિયા સમક્ષ આવીને કહ્યું કે, સરકાર કે પક્ષથી મને કોઈ તકલીફ નથી. મારુ સ્વાસ્થ્ય સારુ ન હોવાથી મેં રાજીનામું આપ્યું હતું. પરંતુ કેન્દ્રીય નેતૃત્વ સાથે વાતચીત બાદ મેં મારો નિર્ણય બદલ્યો છે. સાંસદ તરીકે હું ચાલુ રહીશ. રાજીનામાનો નિર્ણય પાછો લઉં છું. આ અંગે મનસુખ વસાવાએ જણાવ્યું હતુ કે, તમામ પ્રશ્નોના ઉકેલની મને સરકારે ખાતરી આપી છે. મારી તબિયતને લઈને રાજીનામું આપ્યું હતુ. પાર્ટીના નેતાઓનું કહેવું છે સાંસદ કરીકે સારી સારવાર મળશે.