‘અમે ગાંધીનગર એસઓજીમાંથી આવ્યા છીએ તું દારૂનો મોટો બૂટલેગર છો, તારી પાસે જે હોય તે મને આપી દે’ કહીને રાપરના માંજુવાસના યુવાનનું અપહરણ કરી દેવભૂમિ દ્વારકા અને જામનગરના શખ્સો સ્વિફ્ટ ગાડીને સાંતલપુર તરફ લઇને ભાગતા હતા ત્યારે આડેસર પોલીસ જોઇ જતાં તમામ આરોપીઓની અટકાયત કરી અપહરણની સાથે લૂંટના બનાવનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. જો કે, આશ્ચર્ય વચ્ચે રાપર પોલીસે પોતે આ બનાવનો ભેદ ઉકેલ્યો હોવાની પ્રેસનોટ જાહેર કરી છે.ખેડૂત બબાભાઇ પૂંજાભાઇ ડાંગરે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ગામમાં વિરમભાઇ ડાંગરની દુકાને બેઠો હતો ત્યારે ગાડીમાં આવેલા શખ્સો પૈકી એક જણે આવીને કહ્યું કે, અહીં બિયર ક્યાં મળે છે, જેથી વિરમભાઇએ ફતેહગઢમાં માલ મળતો હોવાનું જણાવી બબાને આ લોકો સાથે ફતેહગઢ જવા જણાવ્યું હતું,
જ્યાંથી ફતેહગઢ ગામથી બહાર આવેલા માંજુવાસ રોડ પર એક છોકરો બિયર આપી ગયો, જે બાદ ગાડીમાં બેઠેલા શખ્સો પરત ફરતા હતા.દરમિયાન આડેસર પોલીસ સ્ટેશનથી થોડે દૂર ગાડી ધીમી પડતાં બબાએ દરવાજો ખોલીને છલાંગ મારી હતી, ત્યારે આડેસર પોલીસ આવી જતાં બબાની અને તેની સાથેના ચાર માણસોની પૂછપરછ કરી પોલીસ સ્ટેશને લઇ આવતાં તેઓના નામ કુલદિપસિંહ કિરિટસિંહ જાડેજા, જયપાલસિંહ પ્રવિણસિંહ પરમાર, જયપાલસિંહ ગોવુભા જાડેજા, રાજેન્દ્રસિંહ મનુભા જાડેજા હોવાનું ખૂલતાં પોલીસે સમગ્ર હકીકતો અંગે પૂછપરછ કર્યા બાદ ચારેય આરોપીઓને મુદ્દામાલ સાથે રાપર પોલીસને સોંપતાં પોલીસે અટક કરી લૂંટ અને અપહરણનો ગુનો દાખલ કર્યો હતો.