લોકડાઉન વચ્ચે પણ ખાવાના શોખીન સુરતીઓ કેરીનો સ્વાદ માણી શકે તે માટે સુરત એપીએમસી શહેરના પીપલોદ, પુણા, સારોલી, ભીમરાડ વિસ્તારમાં કેરીનું વેચાણ શરૂ કરવામાં આવશે. આ લોકડાઉનને પગલે લોકો સુધી કેરી પહોંચી શકે અને ખેડૂતો પણ પોતાની કેરીનું વેચાણ કરી શકે તે માટે એપીએમસી સૌપ્રથમ વખત માર્કેટની બહાર અલગ અલગ સેન્ટર પરથી કેરીનું વેચાણ કરવામાં આવશે.
કોરોનાની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખી ૧૦-૧૦ કિલોની તૈયાર પેટીમાં જ કેરીનું વેચાણ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે કેરીના વેચાણ માટે પહેલેથી યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટે એપીએમસી દ્વારા ઉપલબ્ધ કેરીના જથ્થા સાથે કેરી વેચાણનાં શ્રીગણેશ કરવામાં આવશે.
હાલના તબક્કે શહેરના ૬ સ્થળો પરથી કેરીનું વેચાણ કરવામાં આવશે. તેમાં કોવિડની તમામ ગાઇડલાઇનનું પાલન થઇ શકે તે માટે ખુલ્લા પ્લોટમાં અથવા વિશાળ જગ્યા હોય તેવા સ્થળે કેરીનું વિતરણ કરવા નક્કી કરવામાં આવ્યું છે.