અમદાવાદ, સંજીવ રાજપૂત: ગવર્મેન્ટ ઓક્યુપેશનલ થેરાપી કોલેજ અને ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 26 ઓક્ટોબરે ‘મેગ્નેટિક ઓટી ફેસ્ટ 2023’ દ્વારા વિશ્વ ઓક્યુપેશનલ થેરાપી દિવસની ઉજવણી કરવામાં આવી. અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાધેલા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
WFOT ( વર્લ્ડ ફેડરેશન ઓફ ઓક્યુપેશનલ થેરાપી ) દ્વારા વિશ્વ ઓક્યુપેશનલ થેરાપી દિવસની આ વર્ષની થીમ – “સમુદાય સાથે એકતા” નક્કી કરવામાં આવી છે. આ થીમ હેઠળ સમુદાયમાં સંબંધની એકતાને મજબૂત કરવા અને તેનું મૂલ્યાંકન કરવા માટેના પ્રયત્નો આ દિવસની ઉજવણી અંતર્ગત કરવામાં આવશે. આ થીમ અંતર્ગત, માનસિક અને શારીરિક સંબંધની પરિભાષા મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવનાર છે .
‘મેગ્નેટિક ઓટી ફેસ્ટ 2023’ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ દ્વારા વિશ્વ ઓક્યુપેશનલ થેરાપી દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં ઓક્યુપેશનલ થેરાપી વિશે ભાષણો અને પ્રસ્તુતિઓ,ઓક્યુપેશનલ થેરાપી જાગૃતતા અંગે સ્ટ્રીટ પ્લે, ઓક્યુપેશનલ થેરાપી જાગરૂકતા બૂથ, રમત –ગમત, ફૂડ ફેસ્ટ સહિતની પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.
ગવ. સ્પાઈન ઇન્સ્ટીટ્યુટ અને ઓક્યુપેશનલ થેરાપી કોલેજના ડાયરેક્ટર. ડૉ. પીયુષ મિત્તલ અને આર.એમ.ઓ. ડૉ. સંજય કાપડિયાના મહત્વપૂર્ણ માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્જ સીનીયર ઓક્યુપેશનલ થેરાપીસ્ટ ડૉ. શ્રેયા શર્મા અને ઓક્યુપેશનલ થેરાપીસ્ટ ડૉ. મિહીકા દેસાઈ દ્વારા ‘મેગ્નેટિક ઓટી ફેસ્ટ 2023’ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓનું સંચાલન કરવામાં આવ્યું હતું.
ઓકયુપેશનલ થેરાપી શું છે ?
ઓક્યુપેશનલ થેરાપી એ વ્યવસાયિક ઉપચાર છે જે વ્યવસાય દ્વારા આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા સાથે સંબંધિત છે. વ્યવસાયિક ઉપચારનો પ્રાથમિક ધ્યેય લોકોને રોજીંદા જીવનની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા સક્ષમ બનાવવાનું છે. ઓકયુપેશનલ થેરાપી એ એક વૈશ્વિક સ્તરે વિકસેલો અને આપણા દેશમાં વિકસી રહેલો એક ખાસ હેલ્થકેર અને રિહેબિલિટેશન પ્રોફેશનલ છે.
ઓકયુપેશનલ થેરાપીએ તબીબી સારવારની એક વિશીષ્ટ શાખા છે, જેનો ઉપયોગ શારીરિક અને/અથવા માનસિક રીતે બીમાર અને અસ્થાયી અથવા કાયમી ધોરણે અપંગ લોકોની સારવાર માટે થાય છે. ઓકયુપેશનલ થેરાપીસ્ટ/ચિકિત્સક દર્દીને પુન એકટીવિટી પ્રાપ્તિમાં મદદ કરવા અને કાયમી અપંગતાની અસરને ઘટાડવા અને સમુદાયમાં દર્દીઓના પુનર્વસન માટે ખાસ પસંદ કરેલી કોઈપણ પ્રવૃત્તિ, કાર્ય અથવા મનોરંજનમાં દર્દીને સામેલ કરે છે.
ઓકયુપેશનલ થેરાપીસ્ટ દર્દીની અપંગતાનું મૂલ્યાંકન કરે છે અને મૂલ્યાંકનના આધારે વિગતવાર સારવાર નક્કી કરે છે. તે શારીરિક અપંગતા મૂલ્યાંકન, ચેતાસ્નાયુ કાર્ય મૂલ્યાંકન અથવા કાર્ય મૂલ્યાંકન જેવી ચોક્કસ મૂલ્યાંકન તકનીકોનો ઉપયોગ કરે છે. ઓકયુપેશનલ થેરાપીમાં વિશિષ્ટ ઉપચાર પદ્ધતિઓ જેવી કે ચેતાસ્નાયુ સુવિધા, પરસેપ્ટોમોટર વિકાસલક્ષી અભિગમ, કાર્ય ગોઠવણ તાલીમ, ઓદ્યોગિક ઉપચાર, પરામર્શ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે
તેના દ્વારા દર્દીના વ્યવસાયની ભૂમિકાને સારી રીતે ઓળખવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં આ પદ્ધતિ સ્વીકારવામાં આવે છે.