કોરોનાની મહામારીના કારણે આ વર્ષે ગરબા મહોત્સવ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નવરાત્રિમાં રાજ્ય સરકાર ગરબાને શરતી મંજૂરી આપશે અને રોજગારી મળશે તેવી આશાએ બેઠેલા વેપારીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. નવરાત્રિમાં ચણિયા ચોળી, કેળીયુ જેવા પરંપરાગત ડ્રેસનો વેપાર કરતા વેપારીઓ તેમજ પાર્ટી પ્લોટના માલિકો, ગરબે ઘુમતા ખેલૈયાઓને દાંડીયા પુરા પાડતા વેપારીઓની હાલત કફોડી બની છે. નવરાત્રી સાથે સંકળાયેલા વેપારને 9 દિવસમાં અંદાજે 40થી 50 કરોડનું નુકસાન અને 20 હજારથી વધુ લોકોની રોજગારી જવાનો અંદાજ વેપારીઓએ વ્યક્ત કર્યો છે.
ગરબાનું બુકિંગ નહીં થવાને કારણે સૌથી વધુ નુકસાન પાર્ટી પ્લોટના માલિકોને 30થી 40 કરોડનું થવાનો અંદાજ છે. તેમજ ગરબાનાં સ્થળોએ ફૂડ કોર્ટ પણ રાખવામાં આવે છે, જેથી કેટરિંગના ધંધાને કરોડો રુપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. આ ઉપરાંત સાઉન્ડ એન્ડ લાઈટિંગ સાથે સંકળાયેલ ધંધાર્થીઓને પણ 4થી 5 કરોડનું નુકસાન ભોગવવુ પડશે, જ્યારે સિક્યોરીટી અને ઓર્કેસ્ટ્રાને પણ 2થી 3 કરોડ રુપિયાનું નુકસાન થશે.
મહત્વનું છે કે, કોરોનાને લીધે કેટરિંગનો ધંધો ઠપ થયો છે ત્યારે પડતાં પર પાટું પડ્યું હોય તેમ ગરબા નહીં થવાને કારણે નવરાત્રીના 9 દિવસ દરમિયાન કેટરિંગના વ્યવસાયને 4થી 5 કરોડનું નુકસાન થવાની ભીતિ કેટરિંગ એસોસિયેશનના ચેરમેન નરેન્દ્ર પુરોહિતે વ્યક્ત કરી છે. આ ઉપરાંત નાના-મોટા ગરબા સાથે સંકળાયેલા સંખ્યાબંધ કલાકારોની હાલત પણ દયનીય બની છે. મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરવામાં આવી છે.