આજે ભારતભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણીને લઈ ઉત્સાહ ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે કોરોનાકાળાને ધ્યાનમાં રાખી ગણેશોત્સવની ઉજવણી આ વખતે થોડી ફીકી રહેશે પરંતુ લોકો એટલા જ ઉત્સાહ અને ઉમંગ સાથે વિઘ્નહર્તાની પૂજા અર્ચના પણ કરી રહ્યા છે.
ત્યારે આપને જાણીને નવાઈ લાગશે કે ભગવાન ગણેશની પૂજા માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ થાય છે. વિવિધ દેશોમાં ગણેશજીની પૂજા વિવિધ નામથી કરવામાં આવે છે. ગણપતિને જાપાનમાં કાંગિતેન અને થાઈલેન્ડમાં ફિકાનેત કહેવામાં આવે છે. તો શ્રીલંકામાં પિલ્લયાર કહેવામાં આવે છે.
જાપાનમાં ગણેશજીને કાંગિતેન નામથી પૂજવામાં આવે છે
જાપાનની વાત કરવામાં આવે તો અહીં ભગવાન ગણેશને કાંગિતેનના નામથી ઓળખવામાં આવે છે જે જાપાની બૌદ્ધ ધર્મ સાથે સંબંધ ધરાવે છે. અહીં કાંગિતેનનું બે શરીરવાળુ સ્વરુપ ખૂબ જ પ્રચલિત છે. અહીં ચાર હાથવાળા ગણેશજીનું પણ વર્ણન મળી આવે છે.
થાઈલેન્ડમાં ફિકાનેત નામથી પ્રચલિત છે ગણેશજી
આ ઉપરાંત થાઈલેન્ડમાં ગણપતિ ફ્રરા ફિકાનેત સ્વરુપે ખૂબ જ પ્રચલિત છે. અહીં પણ ભારતીય પરંપરાની જેમ જ તેમને વિઘ્નહર્તા દેવતા માનવામાં આવે છે. સાથે જ કોઈપણ શુભ અવસર ખાસ કરીને લગ્ન પ્રસંગે તેમની પૂજાનું અતિમહત્વ છે.
શ્રીલંકામાં ગણેશજીની ભગવાન પિલ્લયાર તરીકે થાય છે પૂજા
જ્યારે શ્રીલંકામાં તમિલ બહુલ ક્ષેત્રમાં કાળા પત્થરથી બનેલ ભગવાન પિલ્લયાર એટલે કે ગણેશજીની પૂજા કરવામાં આવે છે. આપને જાણીને નવાઈ લાગશે કે શ્રીલંકામાં ગણેશજીના 14 પ્રાચીન મંદિરો આવેલા છે. જેમાં કોલંબો પાસે કેલાન્યા ગંગા નદીના કિનારે આવેલા બૌદ્ધ મંદિરોમાં ભગવાન ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત છે.
તેમજ આફ્રિકન દેશ ઘાનામાં પણ ગણપતિ બપ્પાની પૂજા આફ્રીકી હિન્દુઓ દ્વારા કરવામાં આવે છે. અઙીં દર વર્ષે ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે.