સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને લોન મોરેટોરિયમ મામલે નક્કર નિર્ણય લેવા બે અઠવાડિયાનો સમય આપ્યો છે. ગુરુવારે આ મામલે સુનાવણીવેળા જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધીશની બેંચે કહ્યું કે કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્સ બેંકને મોરેટોરિયમ અંગે નિર્ણય લેવાની આ છેલ્લી તક આપવામાં આવી રહી છે.
સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમ મામલાની સુનાવણી બે સપ્તાહ માટે ટાળી દીધી છે. કેન્દ્ર સરકારે મામલાની સુનાવણી બે સપ્તાહ ટાળવાની માગ કરી હતી, જેનો કોર્ટે સ્વીકાર કરી લીધો છે. સાથે જ કોર્ટે કહ્યું કે, ત્યાં સુધી 31 ઓગસ્ટ સુધી NPA ના થયેલા લોન ડિફોલ્ટરોને NPA જાહેર ન કરવાનો વચગાળાનો આદેશ જારી રહેશે.
આ મામલે આગામી સુનાવણી હવે 28 સપ્ટેમ્બરે હાથ ધરાશે. સુનાવણી દરમિયાન સોલીસીટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે, વ્યાજ પર વ્યાજ લેવાના મુદ્દે 2થી 3 રાઉન્ડની બેઠક થઈ છે. જે અંગે ઝડપથી નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે, બેન્ક સાથે ચર્ચાથી બેન્ક મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. IBA તરફથી રજૂ થયેલા હરીશ સાલ્વેએ કહ્યુ કે, સરકારે કોઈ સ્પષ્ટ નિર્ણય લીધો નથી, એક નવો પ્રસ્તાવ આવ્યો છે , જેને રજીસ્ટર કરવાનો છે.