બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને કોરોના વાયરસના નવા સ્ટ્રેનના વધતા જતા કેસોના પગલે દેશમાં ફરીથી લોકડાઉનની જાહેરાત કરી છે. બોરિસ જોન્સને જણાવ્યુ હતું કે, જીવલેણ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે તેને અટકાવવા માટે સાત સપ્તાહનું લોકડાઉન રહેશે.
ઉપરાંત સરકારે ફેબ્રુઆરી મધ્ય સુધીમાં સ્કૂલો પણ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઘરે જ રહે. સાથે જ બિનજરુરી દુકાનો પણ બંધ રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
બ્રિટનના વડાપ્રધાને દેશવાસીઓને પત્રકાર પરિષદ મારફતે સંબોધન કરતા ખાસ અપીલ કરી હતી કે તેઓ જરુરી કામ અર્થે જ ઘરની બહાર નીકળે, જેથી કોરોના સામેની આ જંગ બને તેટલી ઝડપથી જીતી શકાય. તેમણે જણાવ્યુ કે, ચેપના કેસોમા વધારો થઈ રહ્યો છે તેથી સરકાર ફરી એકવાર લોકોને ઘરમાં રહેવાના આદેશ આપી રહી છે. માનવામાં આવે છે કે બ્રિટનમાં કોરોનાને કારણે મોતનો આંક એક લાખ સુધી પહોંચતો રોકવા માટે સરકારે આ અભિયાન હાથમાં લીધું છે. અત્યારસુધીમાં મહામારીમાં 75 હજારથી વધારે લોકોના જીવ ગયા છે. 22 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધોમાં રાહત મળવાની કોઈ શક્યતા નથી.