ગુજરાતમાં કોરોના વાયરસના કેસો હાલ ઘટતા જોવા મળી રહ્યા છે જોકે કેટલાક વિસ્તારમાં હજી પણ સંક્રમણનાં કેસોને કારણે ચિંતાજનક સ્થિતિ છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. જે મુજબ ગુજરાત હાઈકોર્ટમાં ફરી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. એટલે કે આગામી ચાર દિવસ માટે ગુજરાત હાઈકોર્ટની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ચીફ જસ્ટીસ દ્વારા જાહેર કરાયેલ સર્ક્યુલર મુજબ 16થી 19 ઓક્ટોબર સુધી હાઈકોર્ટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ દિવસોમાં હાઇકોર્ટના અધિકારીઓ, રજીસ્ટ્રી સ્ટાફ સહિતના કર્મચારીઓનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ઉચ્ચ ન્યાયાલયના રેકોર્ડ રૂમ, વોશરૂમ, ચેમ્બર, ઓફિસ સહિત સંપૂર્ણ કેમ્પસની સાફ સફાઈ કરાશે.
તમામ પ્રકારનું જ્યુડિશિયલ અને વહીવટી કામ ચાર દિવસ બંધ રહેશે. આ ઉપરાંત એડવોકેટ જનરલ, સરકારી વકીલો વગેરેની ઓફિસ બંધ રાખવા આદેશ કરાયો છે. તેમજ કોર્ટ પરિસરમાં આવેલી સરકારી ઓફિસ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પોસ્ટ ઓફિસ વગેરે બંધ રહેશે અને આ ઓફિસો પણ સેનેટાઇઝ કરવામાં આવશે.