રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા લેઉઆ-કડવા પટેલો એક થયા છે. લેઉઆ અને કડવા પાટીદારોએ એક થઈને એકતાના દર્શન કરાવ્યા છે. સામાજિક, રાજકીય અને આર્થિક રીતે સમાજને એક કરવા બંને સમાજના અગ્રણીઓએ હાંકલ કરી છે.
લેઉઆ અને કડવા પાટીદારોના અગ્રણીઓએ હાંકલ કરી કે, લેઉઆ-કડવા પાટીદારો સમાજના તમામ પ્રશ્નોનો મળીને સામનો કરશે.ઉંઝા ખાતે મળેલી કડવા અને લેઉવા પટેલ સમાજ વચ્ચેની બેઠકમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલે હુંકાર કર્યો હતો.
તેમણે જણાવ્યું કે, ગુજરાતનો જીડીપી કોઇ વધારી શકતું હોય તો એ પાટીદાર સમાજ છે. પાટીદાર દરેક ક્ષેત્રે આગળ છે. ઉદ્યોગ, શિક્ષણ કે પછી અન્ય ક્ષેત્ર કેમ ન હોય. જોકે હજુ કંઇક ઘટે છે એ છે સંગઠન, હજુ આપણે મહદંશે સંગઠિત થયા છીએ. તેમણે જણાવ્યું કે હવે ક્લાર્કથી લઈ કલેક્ટર સુધી અને રાજકારણમાં પણ સમાજના યુવાનો હોવા જોઈએ. આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના આગેવાનો સિવાય રાજકિય નેતાઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. મહત્વનું છે કે આ પહેલા નરેશ પટેલે ઉમિયા ધામના પ્રમુખ અને ટ્રસ્ટીઓ સાથે મહત્વની બેઠક યોજી અને ઊંઝા ઉમિયાધામમાં શિશ ઝુકાવી મા ઉમિયાના આશીર્વાદ પણ લીધા હતા.