ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ દરરોજ વધી રહ્યું છે. તો આ મહામારી સામે લડવા માટે મેડિકલ સાધનોની પણ દેશમાં મોટા પાયે જરૂર પડી રહી છે. જેમાં વેન્ટિલેટર, પીપીઈ કીટ, માસ્ક તથા અન્ય મેડિકલ સાધનોનો સમાવેશ થાય છે. દેશમાં આ બીમારી આવ્યા બાદ આવા મેડિકલ સાધનોનું ઉત્પાદન મોટા પાયે દેશમાં થવા લાગ્યું છે.
ત્યારે હવે સ્પાઇસ જેટ દ્વારા સ્વદેશી ટેકનીકથી વિકસિત નોન-ઇન્વેઝિવ પોર્ટેબિલ વેન્ટિલેટર લોન્ચ કરવામાં આવ્યું છે. આ વેન્ટીલેટરને સ્પાઈસઓક્સી નામ આપવામાં આવ્યું છે. જે એક કોમ્પેક્ટ, પોર્ટેબલ, નોન-ઇન્વેઝિવ વેન્ટિલેશન ડિવાઇસ છે, જે શ્વાસની સાધારણથી મધ્યમ સ્તરની સમસ્યા ધરવાતા દર્દીઓ માટે અસરકારક સોલ્યુશન છે. ફિંગરટીપ પલ્સ ઓક્સીમીટર પણ રજૂ કરવામાં આવ્યું છે. આ એક સરળ ઉપકરણ છે, જે લોકોના શરીરમાં ઓક્સિજનનું સ્તર માપવાનું સરળ બનાવે છે.
આ સ્વદેશી વેન્ટિલેટર મેક ઈન ઈન્ડિયા અભિયાન હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. જેને દેશના જ એન્જિનિયરોની એક ટીમ દ્વારા ઇનોવેશન લેબમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે કોરોના કાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન લોન્ચ કર્યું છે. ત્યારે આ કંપની હેઠળ લોન્ચ થયેલાં સ્પાઇસઓક્સી અને પલ્સ ઓક્સીમીટર મેડ ઇન ઇન્ડિયા છે. આ નોન-ઇન્વેઝિવ, પોર્ટેબલ વેન્ટિલેટર શ્વાસ લેવાની સમસ્યા અને અન્ય જૂની સમસ્યા ધરાવતા દર્દીઓને મદદરૂપ બની શકશે તથા ઘરે સરળતાથી ઉપયોગમાં લઇ શકાય છે.