મ્યાનમારમાં ગુરૂવારે એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જ્યાં ખાણમાં ભૂસ્ખલન થવાને કારણે 100થી વધારે લોકોના મોત થયાં હતા. ઉત્તરી મ્યાનમારમાં ભુસ્ખલન થયાં બાદ 100થી વધુ શ્રમિકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
જ્યારે હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે. મ્યાનમાર ફાયર બ્રિગેડ દ્વારા આ ઘટના અંગે સમગ્ર જાણકારી આપવામાં આવી હતી.
ન્યૂઝ એજન્સી રાયટર્સ અનુસાર મ્યાનમાર ફાયર સર્વિસીસ વિભાગે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે મ્યાનમારના કાચીન રાજ્યમાં ચીની સરહદ નજીક ભારે વરસાદ બાદ કામદારો કાચીન રાજ્યના જેડ-સમૃદ્ધ હાપાકાંત ક્ષેત્રમાં પથ્થરો જમા કરી રહ્યા હતા. જ્યાં ખાણકામના કારણે થયેલા ભૂસ્ખલન થતાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા છે.
બચાવ ટીમનું કહેવું છે કે આ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ કાદવ મોટાપાયે જોવા મળ્યો હતો અને તેની નીચે પથ્થરો એકત્રિત કરી રહેલા લોકો દટાયા હતા. આપને જણાવી દઇએ કે હાપાકાંતની નબળી ખાણોમાં જીવલેણ ભૂસ્ખલન અને અન્ય અકસ્માતોની ઘટના અવાર નવાર બનતી રહે છે.