ઉત્તરપ્રદેશમાં મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા અત્યાચાર અને હાથરસની ગેંગરેપની ઘટના પર હવે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક્શન મોડમાં આવ્યા છે. હાથરસની ઘટનાને લઈ વિપક્ષ સહિત દેશવાસીઓ પણ યોગી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. ત્યારે યોગી આદિત્યનાથ હવે આ મામલે કડક પગલા લઈ શકે છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ આ મામલે ટ્વિટ કરીને મહિલાઓની સુરક્ષાને લઈ પોતાની સરકારનું વલણ સ્પષ્ટ કરી દીધુ છે. તેમણે ટ્વિટ કર્યું કે, ઉત્તરપ્રદેશમાં માતાઓ-બહેનોને સમ્માન-સ્વાભિમાનને નુકસાન પહોંચાડવાનો વિચાર માત્ર રાખનારાઓનો નાશ સુનિશ્ચિત છે. આ લોકોને એવો દંડ આપવામાં આવશે જે ઉદાહરણ રજૂ કરશે.
મહત્વનું છે કે, મહિલાઓ વિરુદ્ધ થઈ રહેલ ગુનાઓ અને હાથરસ કાંડમાં પોલીસ અને પ્રશાસનના વલણ પર સવાલ ઉઠી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું આ ટ્વિટ ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે જોવુ એ રહેશે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કે જેઓ પોતાના સખ્ત વલણ માટે જાણીતા છે તેઓ હાથરસ ગેંગરેપના દોષિતો સામે કેવા પ્રકારના પગલા લે છે.