કુવૈતની નેશનલ એસેમ્બલી અને લેજિસ્લેટિવ કમિટીએ અપ્રવાસી કોટા બિલના ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે. ગલ્ફ ન્યૂઝના જણાવ્યા મુજબ, સમિતિએ આ બિલને બંધારણીય ગણાવ્યું છે.
હવે આ ડ્રાફ્ટને એસેમ્બલીની બીજી સમિતિઓ પાસે મોકલવામાં આવશે. મળતી માહિતી મુજબ, કુવૈતની નેશનલ એસેમ્બલીની કાનૂની અને વિધાન સમિતિએ અપ્રવાસી કોટા બિલના ડ઼્રાફ્ટને મંજૂરી આપી છે. આ બિલના કારણે આશરે આઠ લાખ ભારતીયોએ કુવૈત છોડવાનો વારો આવશે.
એક અહેવાલ અનુસાર, નેશનલ એસેમ્બલીની કાનૂની અને વિધાન સમિતિએ નિર્ણય લીધો છે કે અપ્રવાસી કોટા બિલનો ડ્રાફ્ટ બંધારણીય છે. આ બિલ અનુસાર, કુવૈતમાં ભારતીયોની વસ્તી 15 ટકાથી વધુ ન હોવી જોઇએ. બિલને સંબંધિત સમિતિમાં સ્થાનાંતરિત કરવાની વાત કરવામાં આવી છે જેથી તેના માટે એક વ્યાપક યોજના બનાવવામાં આવે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે આ બિલના કારણે આશરે 8 લાખ ભારતીયોને કુવૈત છોડવુ પડી શકે છે. આપને જણાવી દઇએ કે કુવૈતમાં ભારતીય સમુદાય સૌથી મોટો પ્રવાસી સમુદાય છે, જેની કુલ સંખ્યા આશરે 15 લાખ છે. ત્યારે કુવૈતમાં વસતા મોટી સંખ્યામાં ભારતીયોને આ બિલને અસર થવાની સંભાવનાને લઈ તેઓની ચિંતામાં વધારો થયો છે.