ઈન્ડિયન બેંક્સ એસોસીએશન દ્વારા ૨૨મી ઓક્ટોબરના રોજ બેંકોના મર્જરનો વિરોધ કરવામાં આવ્યો છે. ગ્રાહકો પર લાદવામાં આવતા આડેધડ સર્વિસ ચાર્જ સહિતના મુદ્દે રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલનું એલાન જારી કરવામાં આવ્યું હતું. જેને લઈને અમદાવાદ, કચ્છ, વડોદરા, રાજકોટ સહિત સુરતમાં બેંકો બંધ છે. બેંકોના કર્મચારીઓ દ્વારા ઠેર ઠેર સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. બેંકોની હડતાળના પગલે કરોડો રૂપિયાનો વ્યવહાર ઠપ્પ થવાની ભીતિ સેવાઈ રહી છે. તહેવારો નજીકમાં છે ત્યારે બેંકોની હડતાળને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે કચ્છમાં 600 જેટલા કર્મચારીઓ હડતાલ પર જોડાયા હતા. હડતાલના કારણે કચ્છમાં 200 કરોડના વ્યવહારો ઠપ થવાની ભીતિ સેવાઈ રહી છે. બેંકના ખાનગીકરણ અને વિવિધ ગ્રાહકલક્ષી બાબતોને ધ્યાને લઇ બેન્ક યુનિયન દ્વારા ભુજમાં હડતાળ કરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં બેંકની હળતાલથી કરોડોના આર્થિક વ્યવહાર અટકી પડ્યા છે. ભુજના કોલેજ રોડ પર બેન્ક ઓફ બરોડની મેઈન બ્રાન્ચ ખાતે બેન્ક કર્મીઓએ એકઠા થઈને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.