ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13 હજારને પાર કરી ગઈ છે, જ્યારે મૃતકોનો આંક 400ને વટાવી ગયો છે. ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા વધીને 1000ને પાર કરી ગઈ છે. ત્યારે ગુજરાતમાં કેટલાક વિસ્તારને કોરોના હોટસ્પોટ, કન્ટેન્ટમેન્ટ અને રેડઝોનની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે તો અમદાવાદ સુરતમાં ક્ફર્યુ લાદી દેવામાં આવ્યો છે. કોરોનાના કહેરને લઈ રેડ, ઓરેન્જ અને ગ્રીન એમ ત્રણ ઝોન પાડવામાં આવ્યા છે. તો કેટલાક ભાગોમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. ત્યારે હોટસ્પોટ, કર્ફ્યૂ અને ઝોન એટલે શું તે સમજવું આપણા માટે ખૂબ જ જરુરી છે…
કર્ફ્યૂ શા માટે લાદવામાં આવે છે?
લોકોના બહાર નીકળવાથી થઈ શક્તી સંભવિત અશાંતિ કે જાહેર મુશ્કેલી ખાળવા માટે પ્રશાસન દ્વારા કર્ફ્યુ લાદવામાં આવે છે. હાલ કોરોનાના હદથી વધુ કેસ હોવાથી તે વિસ્તારને હોટ સ્પોટ જાહેર કરવામાં આવી રહ્યા છે. જોકે તેમ છતાં કેટલાક લોકો નિયમોનું ઉલ્લંઘન કરી બહાર નીકળી રહ્યા છે જેથી ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. કર્ફ્યૂ લાગ્યા બાદ લોકોની અવર જવર પર પ્રતિબંધ લાગી જાય છે. તેમજ જો તેમ છતાં લોકો નિયમનું ઉલ્લંઘન કરે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. કર્ફ્યૂ દરમિયાન મેડિકલ સ્ટોર, હોસ્પિટલ, મીડિયા જેવી આવશ્યક સેવા પણ સંજોગો મુજબ બંધ કરી શકાય છે. અનિવાર્યતા હોય તો પણ પોલીસ પરમિશન વિના બહાર નીકળી શકાતુ નથી. આ દરમિયાન કર્ફ્યૂ પાસ હોય તો જ નીકળી શકાય છે.
હોટસ્પોટ એટલે શું?
કોરોનાના કેસો જે સ્થળે વધુ હોય તેવા વિસ્તારે હોટસ્પોટ કહેવામાં આવે છે. હોટસ્પોટ વિસ્તારમાં અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. તેમજ આ વિસ્તારને સીલ કરી દેવામાં આવે છે.. આ વિસ્તારમાં પ્રવેશ અને અંદરથી બહાર જવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવે છે. હોટસ્પોટમાં તમામ દુકાનો સહિતની સેવાઓ બંધ રાખવામાં આવે છે. તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓ સીધા આ વિસ્તાર પર નજર રાખે છે.હોટસ્પોટ વિસ્તારમાં તમામ સેવાની હોમ ડિલીવરી કરવામાં આવતી હોય છે. તેમજ આ વિસ્તારમાં પ્રવેશવા માટે પાસ ઈશ્યૂ કરવામાં આવે છે.
કન્ટેન્ટમેન્ટ ઝોન
કોરોનાના દર્દીઓ જ્યાં વધુ છે તેવા વિસ્તારને હોટસ્પોટ અંતર્ગત આવતા વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગતિવિધિ થઈ શક્તી નથી. અંદર અને બહાર લોકોને મૂવમેન્ટ કરવા દેવામાં આવતી નથી. અહીં મેડિકલ અને લો એન્ડ ઓર્ડર જેવી જરુરી સેવા છોડીને બધુ જ બંધ હોય છે. તેમજ કન્ટેન્ટમેન્ટ વિશે જોડાયેલી ગાઈડલાઈનનું કડક પાલન કરવાનું રહે છે.
રેડ ઝોન
રેડ ઝોન એ સૌથી ખતરનાક ઝોન ગણવામાં આવે છે. કોરોનાની ઝપેટમાં મોટી માત્રામાં લોકો આવ્યા હોય તે જગ્યાને રેડ ઝોન જાહેર કરવામાં આવે છે. જે વિસ્તારમાં સંક્રમણ વધવા કે અન્ય જગ્યાએ સંક્રમણ ફેલાવાની શક્યતા વધુ હોય છે તેને રેડ ઝોન જાહેર કરવામાં આવે છે.. તેમજ આ વિસ્તારમાં લોકોને બહાર નીકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે અને ઈમરજન્સીની સ્થિતિમાં વ્યક્તિ માત્ર હેલ્પલાઈન પર ફોન કરી મદદ મેળવી શકે છે.રેડ ઝોનમાં આવતા લોકોની મદદ તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે તેમને જીવન જરુરી ચીજવસ્તુ પણ તંત્ર દ્વારા જ પહોંચાડવામાં આવે છે. તો જો કોઈ વ્યક્તિ નિયમનું ઉલ્લંઘન કરે છે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.
ઓરેન્જ ઝોન
ઓરેન્જ ઝોન એ વિસ્તારને જાહેર કરવામાં આવે છે જ્યાં કેટલાક કોરોના પોઝિટિવ કેસો હોય.. આ વિસ્તારમાં આ પ્રકારના ઝોનમાં એ વિસ્તાર કે જિલ્લા આવે છે, જ્યાંથી સંક્રમણના કેટલાક મામલા નીકળીને સામે આવે છે. તંત્ર અહી પર જરૂરી ઉપયાગ કરીને લોકડાઉન સીલ કરવા જેવા કે બીજા પગલા ઉઠાવી શકે છે. આ ઝોનમાં સંક્રમણવાળા વિસ્તારોને છોડીને અન્ય વિસ્તારોમાં પ્રતિબંધમાં કેટલીક ઢીલ આપવામાં આવી શકે છે. તેમાં લોકોને જરૂરી સામાન ખરીદવા માટે ઘરથી બહાર નીકળવાની છૂટ સામેલ છે. તેના માટે તંત્ર ઈચ્છે તો સમયમર્યાદા પણ નક્કી કરી શકે છે…
ગ્રીન ઝોન
આ ઝોનનો અર્થ સંક્રમણ મુક્ત છે. અહીંયા મેનેજમેન્ટ લોકડાઉન દરમિયાન જરુરી ચીજવસ્તુઓ ખરીદવા પર ઘરથી બહાર નીકળવાની લોકોને પરમિશન આપી શકે છે. જે વિસ્તારમાં સંક્રમણના મામલા સામે ન આવ્યા હોય તેને ગ્રીન ઝોન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તંત્ર દ્વારા લોકડાઉન દરમિયાન જરૂરી ચીજવસ્તુ ખરીદવા ઘરની બહાર નીકળવાની મંજૂરી આપે છે. જોકે આ દરમિયાન ક્યાંય ભીડ એકઠી ન થાય અને સોશિયલ ડિસ્ટેંસિંગ જળવાય તેનું ધ્યાન રાખવું પડે છે. જો આમ ન કરવામાં આવે તો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.