કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસન સ્થળને વેગ આપવામાં તમામ પ્રકારની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ અને હવાઈ માર્ગે મુખ્ય શહેરો સાથે જોડાયા બાદ હવે ડિસેમ્બર અંત સુધીમાં રેલવે નેટવર્ક સાથે પણ જોડાઈ જશે. હાલ કેવડિયા સુધીની રેલવે લાઈનની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે અને ડિસેમ્બર બાદ વડોદરાથી કેવડિયા સુધી સીધી ટ્રેન સેવા શરૂ કરી દેવામાં આવશે.
રૂપિયા 691 કરોડના ખર્ચે આ માટે 80 કિલોમીટરની રેલવે લાઇન અને રેલવે સ્ટેશન તૈયાર થશે. રેલવે બોર્ડના ચેરમેન વી.કે.યાદવે જણાવ્યું કે, વડોદરાથી કેવડિયા સુધી 80 કિમીના રૂટમાં વડોદરાથી ડભોઈ સુધી 30 કિમી લાંબી બ્રોડગેજ લાઈન પહેલાંથી જ છે.
જ્યારે ડભોઈથી ચાણોદ સુધી 18 કિમી નેરોગેજ લાઈન હતી જેને ગેજ કન્વર્ઝન બાદ બ્રોડગેજમાં ફેરવવામાં આવી છે અને આ કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે.
આ અંગે કેન્દ્રીય રેલવે મંત્રીએ જણાવ્યું કે, કેવડિયા સુધી ટ્રેન પહોંચાડવા 2ડિસેમ્બર 2020ના અંત સુધીમાં કામ પૂર્ણ થશે.