વર્તમાન સમયમાં સમગ્ર દુનિયા કોરોના વાયરસની મહામારીનો સામનો કરી રહી છે.કોરોના વાયરસથી દુનિયાભરમાં અત્યાર સુધી 6500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને આશરે 1.50 લાખ લોકો આનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. આ વાયરસ ભારતમાં પણ જોવા મળ્યો છે અને અત્યાર સુધી બે લોકોના મોત પણ થઈ ચુક્યા છે. ત્યારે કોરોના વાયરસથી બચવું કઈ રીતે એ સૌથી મોટો પ્રશ્ન છે.
હેલ્થ વિભાગ દ્વારા કેટલીક એડવાઈઝરી પણ આ અંગે બહાર પાડવામાં આવી છે. ત્યારે નારાયના હેલ્થના ચેરમેન અને ફાઉન્ડર દેવી શેટ્ટીએ એક અગ્રણી સમાચારપત્ર દ્વારા જણાવ્યું છે કે તેમણે ભારતના સંદર્ભમાં કેટલાક તથ્યો રજુ કર્યા છે અને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે ભારતના લોકો પોતાને અને તેમના પરિવારને કોરોના વાયરસથી કેવી રીતે સુરક્ષિત રાખી શકે છે. જો ભારતીયોએ પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત રાખવો હશે તો તેમણે સામાજિક અંતર રાખવુ પડશે. લોકોએ ખાસ કરીને જાહેર કાર્યક્રમો, ભીડભાડવાળા બજારોમાં જવાનું ટાળવુ જોઈએ.
દેવી શેટ્ટીએ પોતાના લેખમાં જણાવ્યું છે કે, ઈરાન, ફ્રાંસ, જર્મની અને સ્પેને એક્શન લેવામાં ખૂબ જ વિલંબ કર્યો, એટલે જ ત્યાં સંક્રમણના કેસો ખૂબ જ વધી ગયા છે. જોકે એ સારી બાબત છે કે ભારતે વિદેશી યાત્રિકો પર ખૂબ જ ઝડપથી કંટ્રોલ કરી લીધો, જેના કારણે ભારત હજી સુધી આ મહામારીથી બચી શક્યું છે.
જોકે, ભારત એક મોટી વસતી ધરાવતો દેશ છે અને કોવિડ-19 ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોના વાયરસનો દરેક દર્દી આશરે 3 અન્ય લોકોને સંક્રમિત કરી રહ્યો છે અને તેમનામાં સંક્રમણ આશરે 2 સપ્તાહ સુધી રહે છે. ભારતમાં અત્યાર સુધી આશરે 115 લોકોમાં આ સંક્રમણ ફેલાઈ ચુક્યું છે અને બે લોકોના મોત થઈ ચુક્યા છે.સંક્રમિત લોકોમાંથી પાંચ ટકાને આઈસીયુમાં રાખવાની જરુર છે અને 1 ટકા ખૂબ જ ગંભીર હોય છે, જેમને વેન્ટીલેટર સપોર્ટની જરુર હોય છે. તેમણે જણાવ્યું કે, જે લોકોને પહેલાથી જ કોઈ બિમારી છે, જેમ કે હાઈ બીપી, ઈમ્યૂન સિસ્ટમની સમસ્યા, કેન્સર છે અથવા તેમની ઉંમર 70થી વધુ છે, તેમના માટે આ વાયરસ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે.મોટાભાગની હોસ્પિટલના આઈસીયુ પહેલાથી જ ફૂલ છે. ત્યારે અત્યારે આ સમસ્યાનો સામનો કરવા માટે આપણે ઈન્ફેક્શનને બને તેટલુ કંટ્રોલમાં લેવુ જરુરી છે, જેથી હોસ્પિટલની જરુરીયાત માત્ર ગંભીર મામલાઓમાં જ રહે. આપણી પાસે માત્ર સોશિયલ ડિસ્ટેસિંગનો જ વિકલ્પ છે, જેના માધ્યમથી આપણે વાયરસનો ફેલાવો ઓછો કરી શકીએ છીએ. આપણે ચીનની જેમ શહેરોને બંધ તો નથી કરી શકતા, પરંતુ તેમ છતાં કેટલાક સામાન્ય પગલા છે જે લઈ શકાય છે. જેમાં તમામ મુસાફરી ટાળવાનો પ્રયત્ન કરો..લાંબી મુસાફરી કરવાનું ટાળો, કારણકે વાયરસ તેના માધ્યમથી જ વધુ ફેલાઈ શકે છે. એવી જગ્યા પર ન જાઓ જ્યાં વધુ લોકોની ભીડ હોય. સાથે જ જો શક્ય હોય તો વર્ક ફ્રોમ હોમની નીતિ અપનાવવી જોઈએ.