બોલીવુડ અભિનેત્રી કંગના રનૌટ સાથે શિવસેના અને મહારાષ્ટ્ર સરકારના વિવાદ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કંઈક બોલશે તેવી સૌને આશા હતી. જોકે, વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધનમાં ઉદ્ધવ ઠાકરે કંગનાનો ક પણ બોલ્યા નહીં. જોકે તેમણે આ દરમિયાન કંગના રનૌટ અને સુશાંતસિંહનું નામ લીધા વિના આડકતરી રીતે આ મામલે વાત કરી.
તેમણે જણાવ્યું કે, તેમના મૌનને તેમની નબળાઈ ના સમજશો. હાલ તેમનું ધ્યાન રાજ્યમાં કોરોનાના સંક્રમણને કઈ રીતે અટકાવવો તેના પર છે. જોકે ઉદ્ધવ ઠાકરેએ કંગના પર સીધી રીતે કોઈ પ્રહાર કર્યો નહીં. તેમણે જણાવ્યું કે હાલ મહારાષ્ટ્રને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિડિયો કોન્ફરન્સ મારફતે સંબોધતા તેમણે મહારાષ્ટ્રમાં થઈ રહેલ રાજકારણ પર વાત ન કરીને સંદેશો આપ્યો કે અત્યારનો સમય તેમના માટે કંગના કરતા વધુ જરુરી કોરોના છે.
કંગના મુદ્દે તેમણે નામ લીધા વગર કહ્યું કે હું બોલતો નથી તેનો અર્થ એ નથી કે મારી પાસે જવાબ નથી. મહારાષ્ટ્ર સરકાર સતત પ્રતિકૂળ પરિસ્થિતિમાં કામ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, જેટલા પણ રાજકીય તોફાનો છે, તેમનો હું સામનો કરીશ. કોઈ પરવા નથી અને આ સાથે કોરોના સામે પણ લડત ચાલુ રહેશે. આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને શિવસેના વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે. બીએમસીએ કંગનાની ઓફિસ પર કાર્યવાહી કરી તો કંગનાએ ઉદ્ધવ ઠાકરે પર પર્સનલ એટેક કરતા એક વિડિયો પણ જાહેર કર્યો હતો.