ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બહુ જલદી ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. 5 ઓગસ્ટના રોજ થનારા ભવ્ય ભૂમિ પૂજન કાર્યક્રમને લઈને એકબાજુ જ્યાં અયોધ્યામાં તૈયારીઓ જોરશોરથી ચાલુ છે ત્યાં દેશભરમાં ભગવાન રામના ભક્તોમાં ખુશીની લહેર છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંદિર નિર્માણનું ભૂમિ પૂજન કરવામાં આવશે. જેમાં દેશભરના સાધુ સંત અને મંદિર નિર્માણ માટે વર્ષો સુધી સંઘર્ષ કરનારા લોકોને આમંત્રિત કરાયા છે.
(File Pic)
ત્યારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કામ શરૂ થતા જ મધ્યપ્રદેશના જબલપુરમાં રહેનારી 81 વર્ષની મહિલાની તપસ્યા પુરી થઈ જશે. 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં વિવાદિત માળખાને તોડી પાડવામાં આવ્યા પછી તોફાનો થયા ત્યારે તેમણે સંકલ્પ કર્યો હતો કે રામ મંદિરના શિલાન્યાસ સુધી તેઓ અન્નગ્રહણ કરશે નહિ. ત્યારથી તેઓ ફળ ખઈને રામનું નામ સ્મરણ કરતા-કરતા ઉપવાસ કરે છે.
(File Pic)
ત્યારે હવે 5 ઓગસ્ટે રામ મંદિરનું ભૂમિ પૂજન થવાનું છે અને આ દિવસે જ ઉર્મિલા ચતુર્વેદી વ્રત તોડશે. તેમના આ નિર્ણયથી પરિવારમાં પણ ખુશીનો માહોલ છે. જબલપુરના વિજય નગરમાં રહેનાર ઉર્મિલા દેવીએ ઉપવાસ શરૂ તો કર્યો હતો, ત્યારે તેમની ઉંમર 53 વર્ષની હતી. પહેલા લોકોએ તેમને બહું સમજાવ્યા કે તેઓ ઉપવાસ તોડી નાંખે પરંતુ તેઓ અડગ રહ્યાં. તેમનું સપનું છે કે રામ મંદિર નિર્માણના સમયે તેઓ ત્યાં પહોંચીને શ્રીરામનું પૂજન કરે અને ત્યારબાદ પ્રસાદ તરીકે અન્ન ગ્રહણ કરે. પરંતુ આ અનોખી રામ ભક્તને મંદિર નિર્માણ માટે થનારા આયોજનમાં હજુ સુધી આમંત્રણ મળ્યું નથી. આમ છતાં તેઓ પોતાની ભક્તિમાં લીન છે.