રાજ્યના શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. રખડતા ઢોર બાબતે દરેક જગ્યાએ તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી છે. જેના કારણે વર્ષે દહાડે બનતા અકસ્માતોમાં રખડતા ઢોરને કારણે પણ અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.
ત્યારે જુનાગઢ જીલ્લાના કેશોદ શહેરી વિસ્તારમાં રખડતા પશુઓ બાબતે તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. કેશોદમાં રાહદારીઓ તેમજ વાહનચાલકો રખડતા ઢોરના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જાહેર માર્ગો પર ગાયો તથા રખડતા પશુઓથી રાહદારીઓ વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે અને પશુઓ પણ ઈજાગ્રસ્ત થવાના અનેક બનાવો બને છે. દર વર્ષે નગરપાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારની કાાર્યવાહી કરવામાં આવતી ન હોવાના દાવા લોકો રજૂ કરી રહ્યા છે. ત્યારે રખડતા પશુઓના પ્રશ્નનુ નિરાકરણ લાવવા માટેની ચર્ચા કરવા માટે કેશોદની જુદી જુદી સામાજિક સંસ્થાઓ તેમજ વેપારીઓની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. જે બેઠકના પડઘા રૂપે નગરપાલિકા દ્વારા શહેરના તમામ ગોશાળાના સંચાલકો, સામાજીક સંસ્થાઓ તેમજ વેપારીઓ સાથે બેઠક યોજવાનું આયોજન થઇ રહ્યું હોવાના સમાચાર સુત્રો પાસેથી મળ્યા છે. ત્યારે રખડતાા પશુઓના પ્રશ્નનો હલ થશે કે કેમ તે જોવું રહ્યું!