કેશોદ તાલુકાના ખીરસરા ગામમાં 40 વર્ષ જૂનો ટાંકો પાણીથી ભરેલો હતો. ત્યારે ટાંકો ધરાશાયી થતા દોડધામ થઇ ગઇ હતી. આ ટાંકો પડવાથી બાજુમાં આવેલી એક દુધની ડેરીમાં નુકશાન થયું હતું. તથા ગોડાઉનમાં રહેલા ચણા પલળી ગયા હતા. તેમજ એક જર્જરિત ટાંકાને ઉતારી લેવા અનેક રજૂઆતો થઇ હતી. પરંતુ તંત્ર એ બેદરકારી દાખવી હતી. આ અંગેની વધુ વિગત મુજબ કેશોદ તાલુકાના ખીરસરા ગામમાં અંદાજે 40 વર્ષ જૂનો દોઢ લાખ લીટરની ક્ષમતાનો ટાંકો છેલ્લા ઘણા સમયથી જર્જરિત થઇ ગયો હતો. ગ્રામજનોએ આ જર્જરિત ટાંકાના લીધે કોઇ અકસ્માત થાય તે પહેલાં ઉતારી લેવા માટે તંત્રને અનેક વખત રજૂઆતો કરી હતી. પરંતુ તંત્રએ આ બાબતે ધ્યાન આપ્યું ન હતું. અને બેદરકારી દાખવી હતી. પાણી ભરેલો જર્જરિત ટાંકો ધડાકા સાથે ધરાશાયી થયો હતો.
આ ટાંકો ધરાશાયી થયો તે ઘટના સી.સી. ટી.વી.માં કેદ થઇ ગઇ હતી. અચાનક ટાંકો ધરાશાયી તથા તેના અવાજથી આસપાસના લોકોમાં દોડધામ થઇ ગઇ હતી. આ ટાંકો પડવાથી બાજુમાં આવેલી એક દુધની ડેરીમાં નુકસાન થયું હતું. જ્યારે તેની બાજુમાં આવેલા ગોડાઉનમાં રહેલો ચણાના જથ્થો પલળી ગયો હતો. તેમજ એક રિક્ષા અને એક બાઇક ભાંગી ગયા હતા. સદ઼્નસીબે આ સમયે કોઇ વ્યક્તિ ત્યાં હાજર ન હોવાથી કોઇ હાનિ પહોંચી ન હતી. આ બાબતને લઇને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગ્રામજનોએ રોષભેર જણાવ્યું હતું કે, જર્જરિત પાણીના ટાંકાને ઉતારી લેવા તંત્રને અનેક રજૂઆતો કરી હતી. ત્યારે ગામના પીવાના પાણીનું શું કરવું? એમ કહી કોઇ કાર્યવાહી કરી ન હતી. અને આજે ટાંકો ધરાશાયી થતા તંત્ર દોડતું થયું છે.