ઉત્તરપ્રદેશના અયોધ્યામાં વર્ષ 1992 ડિસેમ્બરમાં બાબરી મસ્જિદ વિધ્વંસ કરવાના મામલામાં સીબીઆઈની કોર્ટ આખરે 27 વર્ષ બાદ પોતાનો ચુકાદો સંભળાવા જઈ રહી છે. આ મામલે સીબીઆઈની કોર્ટ 30 સપ્ટેમ્બરના રોજ ચુકાદો આપશે. આ કેસમાં ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી રહી ચુકેલ લાલકૃષ્ણ અડવાણી, પૂર્વ રાજ્યપાલ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી રહી ચુકેલ કલ્યાણસિંહ, પૂર્વ માનવ સંશાધન મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોષી સહિત 49 આરોપીઓની વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. સીબીઆઈએ આ મામલામાં 49 આરોપીઓની વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી હતી જેમાંથી 17 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.
આ મામલે કોર્ટે એલકે અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી સહિત તમામ 32 આરોપીઓને હાજર રહેવા માટે પણ જણાવ્યું છે. મહત્વનું છે કે, મંગળવારે સીબીઆઈની વિશેષ કોર્ટમાં બચાવ તથા અભિયોજન પક્ષ તરફથી મૌખિક ચર્ચા પૂરી કરી લેવામાં આવી છે. ત્યારે હવે સીબીઆઈની વિશેષ કોર્ટ બાબરી મસ્જિદ વિધ્વંસ મામલામાં 30 સપ્ટેમ્બરના રોજ પોતાનો ચુકાદો સંભળાવશે.
આપને જણાવી દઈએ કે, 5 ઓક્ટોબર 1993ના રોજ સીબીઆઈની તપાસ બાદ આ મામલામાં કુલ 49 આરોપીઓની વિરુદ્ધ આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 17 લોકોનાં સુનાવણી દરમિયાન મોત થઈ ચૂક્યા છે.