ઉત્તર પ્રદેશમાં ફરી એક વખત ગુંડારાજ ફૂલ્યું ફાલ્યું હોવાની ચાડી ખાતી એક ઘટના ઘટી છે. પત્રકાર વિક્રમ જોશી પર સોમવારે રાત્રે ગાઝિયાબાદમાં જાહેરમાં કેટલાક ગુંડાઓએ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પત્રકાર જોશીનું સારવાર દરમિયાન આજે સવારે મોત નિપજ્યુ હતું.
(File Pic)
આ મામલે પોલીસે 9 લોકોની ધરપકડ કરી હોવાની માહિતી સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે ગાઝિયબાદના વિજય નગરમાં પોતાના ઘર નજીક જ્યારે પત્રકાર વિક્રમ જોશી બન્ને દીકરીઓ સાથે બહાર જઈ રહ્યા હતા ત્યારે કેટલાક શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો અને ફાયરિંગ કર્યું હતું.
આ ઘટનામાં પત્રકાર જોશી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં આજ સવારે તેમનું મોત નિપજ્યુ હતું. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી અત્યાર સુધી 9 લોકોની ધરપકડ કરી છે. તો બીજીબાજુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતક પત્રકાર વિક્રમ જોશીની હત્યા બદલ સંવેદના વ્યક્ત કરી હતી અને મૃતકના પરિવારજનોને રૂ. 10 લાખના વળતરની જાહેરાત કરી હતી.