ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ છેલ્લા બે દિવસ દરમિયાન ધમાકેદર બેટિંગ કરી પીવાના અને ખેતીના પાણીનું ચિત્ર પલટાવી નાખ્યું છે. જામનગર, રાજકોટ અને જૂનાગઢના કેટલાક તાલુકાઓમાં તો સાંબેલાધાર વરસાદ વરસતા મેઘમહેર હવે મેઘકહેર બની ચૂક્યો છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ઘોડાપૂરની સ્થિતિના કારણે લોકોએ મેઘરાજાને ખમૈયા કરવા વિનંતી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જામનગર જિલ્લાના કાલાવાડ અને જામનગર તાલુકામાં ગત રાત્રિએ વરસેલા સાંબેલાધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જામનગર જિલ્લાનાં અનેક ગામોમાં જળની સ્થિતિ સર્જાતાં સેંકડો લોકો ફસાયા છે. ગામમાંથી બહાર નીકળવાના રસ્તા પર જ પાણી ફરી વળતાં લોકોને સલામત રીતે બહાર કાઢવા માટે એરફોર્સ, SDRF અને ફાયરબ્રિગેડની ટીમો કામે લાગી છે.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાંગા, જોગવડ, વોડીસંગ, ધુડશિયા, કોંજા, અલિયાબાડા, ધુંવાવ વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં હાલ રેસ્ક્યૂની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બનતાં અલિયાબાડા ગામમાં પૂરના પાણી ઘૂસ્યાં હતાં. અલિયાબાડા ગામમાં ઘરનાં એક-એક માળ પાણીમાં ગરકાવ થતાં લોકો જીવ બચાવવા ઘરની છત પર ચઢી ગયા છે. નદીકાંઠા નજીકમાં કેટલાક લોકો ફસાયા હોય અને પાણીનો સ્તર વધી રહ્યો હોઈ, સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા 25 લોકોનું દિલધડક રેસ્ક્યૂ-ઓપરેશન કરાયું હતું. જવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકી લોકોના જીવ બચાવ્યા હતા. જામનગર શહેરના ભોઈવાડા વિસ્તારમાં ધુંવાવના નાકા પાસે નાગમતી-રંગમતી નદીનાં પાણી ફરી વળતાં રહેણાક વિસ્તારમાં 10 ફૂટ કરતાં વધુ પાણી ભરાયાં છે. હાલ અહીંથી પણ બોટ દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામા આવી છે.