આમ તો પોલીસની કામ લોકોની રક્ષા કરવાનું હોય છે. લોકોની સલામતી પોલીસની જવાબદારી અને ફરજ છે. પણ જ્યારે લોકોની રક્ષા કરતી પોલીસ કોઈની હત્યા કરી નાખે ત્યારે સામાન્ય માણસની સલામતી માટે ખાતરી આપી શકાય કે કેમ તે એક સવાલ છે. ત્યારે એક પોલીસ કોન્સ્ટેબલે જ PSIના ભાઈની હત્યા કરવાના સમાચાર સામે આવતા પોલીસ બેડામાં પણ હડકંપ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના લાલપુર તાલુકામાં આવેલા ભણગોર ગામમાં આશરે પાંચ વર્ષ અગાઉ વિરેન્દ્રસિંહ છોટુભા જાડેજા અને રાજદીપસિંહ વચ્ચે પાણી બાબતે બોલાચાલી થઈ હતી. ટેંકરમાંથી પાણી ભરવા બાબતે થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી વિરેન્દ્રસિંહ અને રાજદીપસિંહ વચ્ચે દુશ્મની ચાલી રહી હતી. ત્યારે ગઈકાલે રાતે વિરેન્દ્રસિંહ પાન પાર્લરની દુકાને ઊભો હતો ત્યારે રાજદીપસિંહ તેના મિત્રો સાથે પાન પાર્લરની દુકાને આવી પહોંચ્યો હતો અને વિરેન્દ્રસિંહ સાથે બોલાચાલી કરવા માંડ્યો હતો. બોલાચાલીથી રાજદીપસિંહ એટલી હદે ઉશ્કેરાઈ ગયો કે, તેણે તેના મિત્રો સાથે મળીને વિરેન્દ્રસિંહને ઢોર માર માર્યો હતો. એટલાથી પણ સંતોષ ન થતાં રાજદીપસિંહે વિરેન્દ્રસિંહને છરીના ઘા મારી દીધા હતા. વિરેન્દ્રસિંહ લોહીથી લથબથ હાલતમાં ઢળી પડ્યો હતો અને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. વિરેન્દ્રસિંહની હાલત એટલી ગંભીર હતી કે સારવાર દરમિયાન વિરેન્દ્રસિંહ મોતને ભેટયો હતો.
ઘટનાને પગલે પોલીસને જાણ થતાં જ પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને સાથે આગેવાનો પણ ત્યાં દોડી આવ્યા હતા. ઘટનાની ખાસ વાત એ પણ છે કે, આરોપી રાજદીપસિંહ પોલીસ કોન્સટેબલ તરીકે જામજોધપુર ખાતે ફરજ બજાવે છે તથા મૃતક વિરેન્દ્રસિંહના ભાઈ મનોહરસિંહ જાડેજા પણ અમદાવાદ ખાતે પોલીસ સબ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. ઘટનાને લઈ પોલીસે રાજદીપસિંહ તથા તેની સાથે રહેલા આરોપીઓ સામે કલમ 302, 114 તથા 135 મુજબની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.