કાશ્મિર- હિમાલયની પર્વતમાળામાં થઈ રહેલા બરફ વર્ષા અને ઉતર-પૂર્વ દિશામાંથી વહેતા ઠંડા હિમ પવનના કારણે, ગુજરાતમાં ઠંડીનું મોજૂ ફરી વળ્યુ છે. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી નલિયામાં 3.4 ડીગ્રી નોંધાઈ છે. તો બનાસકાંઠાના ડીસામાં ઠંડીનો પારો, 8.5 ડીગ્રીએ અટક્યો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટમાં 9.8 ડીગ્રી, સુરેન્દ્રનગરમાં 12.4 ડીગ્રી, અમેરલીમાં 11.2 ડીગ્રી, ભાવનગરમાં 11 ડીગ્રી, ઠંડી નોંધાઈ છે. અમદાવાદમાં ઠંડીનો પારો 11 ડીગ્રીએ અટક્યો હતો.
જ્યારે વડોદારમાં 11.6 ડીગ્રી, સુરતમાં 13.8 ડીગ્રી, ગાંધીનગરમાં 9 ડીગ્રી ઠંડી નોંધાઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે દિવસ ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનુ પ્રમાણ જળવાઈ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 31 જાન્યુઆરી સુધી ઠંડીના ચમકારાની આગાહી આપવામાં આવી છે. જેને લઇને મોટાભાગના શહેરમાં તાપમાન નીચુ જવાની શક્યતા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના પગલે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 31મી જાન્યુઆરી ઠંડીના ચમકારાની આગાહી આપવામાં આવી છે. જેને લઇને મોટાભાગના શહેરોમાં 4 ડિગ્રી સુધી પારો ગગડવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. જેને લઇને અમદાવાદ સહીતના શહેરો ઠંડાગાર જોવા મળ્યા હતા.