– ગુજરાતમાં આ વર્ષે ચોમાસું લાંબું ચાલ્યા પછી હજી પણ રાજ્યના કેટલાક ભાગોમાં હળવો તેમજ મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈ વધુ એક વખત આગાહી કરી છે. જે મુજબ રાજ્યમાં હજી 5 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર ગુજરાતમાં વરસાદની વધુ અસર રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો મધ્ય ગુજરાતમાં પણ ઝરમર ઝરમર વરસાદ વરસી શકે છે.
જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે. દેશભરમાં ચોમાસાની વિદાયમાં 15 દિવસ વિલંબમાં નાંખનાર બંગાળની ખાડીનું ડીપ્રેસન દરિયામાં હજુ માંડ સમાયું છે, ત્યાં આ ખાડીમાં જ ફરી લો પ્રેસર સર્જાયું છે. જે વેલમાર્કડ લો પ્રેસરમાં ફેરવાયું છે અને હવે તે ડીપ્રેસનમાં ફેરવાય તેવી શક્યતા છે. જો કે આ સીસ્ટમની ગુજરાત પર નહીવત્ અસર થવાની ધારણા છે. બીજીબાજુ હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી સપ્તાહ સુધીમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી ચોમાસુ પાછુ ખેંચાશે.