ગુજરાતમાં ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 146 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ડાંગના સુબિરમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કાલાવાડમાં 3 ઈંચ, વેરાવળમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જામનગરના કાલાવડ ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર સનાળા અને સરવાણીયા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
3 ઈંચ વરસાદ વરસતા કાલાવડની ફલકુડી નદી બે કાંઠે વહેતી થઈ હતી. તો ગત રોજ રાજ્યના વિવિધ ભાગોમાં વીજળી પડવાના પણ બનાવ બન્યા હતા. રાજકોટ, જામનગર અને બોટાદમાં વીજળી પડ્યાના અહેવાલ સામે આવ્યા હતા. રાજ્યના વિવિધ શહેરોના તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં બુધવારે લઘુત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે સુરતમાં 32, વડોદરામાં 34 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 146 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ડાંગના સુબિરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કાલાવડમાં 3 ઇંચ, વેરાવળમાં સવા 2 ઇંચ વરસાદ નોંધાયો છે. તો ધ્રોલમાં 2 ઈંચ, મોડાસામાં 2 ઈંચ, સુત્રાપાડા-વડિયામાં પણ 2-2 ઈંચ વરસાદ નોંધાયો હતો. આમ રાજ્યમાં ભારે ઉકળાટ બાદ મેઘમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી. જ્યારે જગતના તાત એવા ખેડુતોમાં વરસાદી માહોલ જોવા મળતાં ખુશીની લહેર જોવા મળી છે.