રવિવારે ગ્રામ પંચાયતોની 4 સ્થળે પેટાચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં પાલનપુરની છાપરા, ધાનેરાની માલોતરા અને મોટામેડામાં તેમજ વડગામના સકલાણા પંચાયતના વોર્ડની પેટા ચુંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. રવિવારે પાલનપુર તાલુકાની છાપરા ગ્રામ પંચાયતમાં સરપંચ અને 9 વોર્ડ માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં વહેલી સવારથી જ મતદારોની મતદાન કેન્દ્ર ઉપર કતારો જામી હતી. જેમાં કુલ 88.95 ટકા મતદાન થયું હતું. જ્યારે વડગામ તાલુકાના સકલાણા ગામમાં માત્ર વોર્ડ નંબર-5 ની પેટાચૂંટણીમાં 91.49 ટકા મતદાન થયું હતું. ધાનેરા તાલુકાના માલોતરા ગામમાં સરપંચ અને 11 વોર્ડ પૈકી 6 વોર્ડ માટેની ચૂંટણી યોજાઇ હતી. જેમાં 86.35 ટકા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. તેમજ ધાનેરાના મોટામેડા ગામમાં સરપંચ અને જુદા પાંચ વોર્ડ માટેની પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં 90.99 ટકા જેટલું જંગી મતદાન થયું હતું. આમ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સરેરાશ 87.96 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે મતગણતરી તારીખ 15 ઓક્ટોબર-2019 ના યોજાનાર હોવાનું વડગામ નાયબ મામલતદાર અને ચુંટણી અધિકારી સતીષભાઇ પંડ્યાએ જણાવ્યું હતું.