ગુજરાતમાં 76 બજેટ રજૂ થયાં છે, ત્યારે આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું 77મું બજેટ રજૂ થઈ રહ્યુ છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે 77મું બજેટ રજૂ કર્યુ હતું.. નાણામંત્રી તરીકે નીતિન પટેલે 8 બજેટ રજૂ કર્યાં છે.
કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી આ વર્ષે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યુ હતું. આ માટે સરકારે મોબાઇલ એપ્લિકેશન (Gujarat Budget) પણ લોન્ચ કરી છે. અત્યાર સુધી સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ વજુભાઈ વાળાના નામે છે. 76માંથી 18 બજેટ નાણામંત્રી તરીકે વજુભાઈ વાળાએ રજૂ કર્યાં છે. વજુભાઈ હાલ કર્ણાટકના રાજ્યપાલ છે.
ગુજરાતમાં વજુભાઈ તેમની રમૂજવૃત્તિ અને જ્યારે તેઓ કાઠિયાવાડી લઢણ (ભાષા)માં બજેટ રજૂ કરતાં તો આખો માહોલ હળવો થઈ જતો અને વિપક્ષના નેતાઓ પણ એની મજા લેતા હતા. ગુજરાત રાજ્યનું પહેલું બજેટ 22 સપ્ટેમ્બર 1960ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, રાજ્યના પહેલા બજેટનું કદ રૂ. 114.92 કરોડ અને 26 ફેબ્રુઆરી 2020માં રજૂ થયેલા બજેટનું કદ રૂ. 2.17 લાખ કરોડ હતું. ટકાવારીની રીતે જોઈએ તો 60 વર્ષમાં અંદાજપત્રનું કદ 1.89 લાખ ટકા વધ્યું છે.