પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વડોદરામાં શરુ કરવામાં આવેલા દારુબંધી હટાવો કાર્યકર્મમાં હાજરી આપી હતી. જે દરમિયાન તેમણે ફરી એકવાર રાજ્યમાંથી દારૂબંધી હટાવવાની માંગ સાથે ભાજપ સરકારને નિશાન બનાવતા આકરા પ્રહાર કર્યા હતા. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, સરકારે વિધાનસભામાં કાયદામાં સુધારો કરીને દારુબંધી હટાવવી જોઈએ. ગુજરાતમાં હજી પણ ઘણી એવી જગ્યા પર દારુનો વેપાર ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે.
દારૂબંધીના નામે રાજ્યમાં હપ્તા રાજ ચાલી રહ્યુ છે. જેથી આ વેપારના કારણે પોલીસવાળાઓને લીલાલેર છે. આ દરમિયાન તેમણે છેલ્લા કેટલાક દિવસોમાં ઝડપાયેલા ડ્રગ્સના બનાવ અંગે વાત કરતા જણાવ્યું કે, ગુજરાતમાં યુવાનો પણ ડ્રગ્સના નશામાં ઝુમતા થઇ ગયા હોવાથી યુવાધન પણ ખતમ થઈ રહ્યું છે જેથી દારૂબંધી હટાવી લેવી જોઈએ. સરકારની નીતિની ઝાટકણી કાઢતાં તેમણે જણાવ્યુ હતુ કે, તંત્રની આ નીતિના કારણે જ ત્રીસ ત્રીસ વર્ષની વયની પરિવાર ધરાવતી મહિલાઓ વિધવા બની રહી છે. કેમીકલ મિશ્રીત લઠ્ઠો કે હલકી કક્ષાનો દારૂ પી પીને યુવાનો મરી રહ્યા છે.
હંમેશા સરકાર સામે આક્રમક વલણ અપનાવતા શંકરસિંહે નવરાત્રીમાં ગરબા પર લાદવામાં આવેલા પ્રતિબંધ અંગે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે નવરાત્રીના ગરબાની સાથે સાથે રાજકીય ચૂંટણીઓના ગરબા પર પણ પ્રતિબંધ મુકવા જોઈએ. આ દરમિયાન તેમણે પેટા ચૂંટણીમાં પ્રચાર રેલી પર રોક લગાવવાની પણ માંગ કરી હતી.
મહત્વનું છે કે વડોદરા પ્રવાસ દરમિયાન તેમણે ભ્રષ્ટ દારુબંધીના વિરોધમાં વર્ષોથી આંદોલન ચલાવી રહેલા યુવા મિત્રો સાથે પણ ચર્ચા કરી હતી. તેમજ તેમનો પક્ષ પણ સાંભળ્યો અને દારુબંધી પર નવી લીકર પોલિસી અંગેનું વિઝન પણ રજુ કર્યુ હતું.