મહેસાણા જિલ્લામાં રૂટિન પાકનું વાવેતર કરવા ખેડૂતો ટેવાયેલા છે. પરંતુ કેનાલોમાં અપૂરતું પાણી, અપૂરતા ભાવ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ જેવી આફતો વચ્ચે ખેડૂત સતત પીસાતો આવ્યો છે. ત્યારે કપાસ, ઘઉં, દિવેલા જેવા પાકોમાં સતત નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
તેવામાં મહેસાણાનાં બહુચરાજી તાલુકાના શંખલપુર ગામના ઉત્સાહી ખેડૂતે યૂટ્યૂબમાં બાગાયતી ખેતી સર્ચ કરી કેળાની ખેતી કરવાનું મન મક્કમ કરી લીધું હતું. આમ, મહેસાણા જિલ્લામાં પ્રથમવાર આ ખેડૂતે સાહસ કરી સફળતા પ્રાપ્ત કરી છે.
તે ખેડૂતે યૂટ્યૂબમાંથી માહિતી મેળવી ખેડા બાજુ રહેતા તેમના સંબંધીનાં ત્યાં જઈને ટ્રેનિંગ લીધા બાદ મહેસાણામાં પોતાના ખેતરમાં ૩૮૦ જેટલા રોપા લાવીને 4.5 વિઘા જમીનમાં ખેતીનો શુભારંભ કર્યો હતો. હાલમાં કેળાની લુમો આવતા ખેડૂત ચોક્કસથી હરખાઈ રહ્યો છે અને અન્ય ખેડૂતો પણ તેમના આ સાહસને બિરદાવી ફાર્મની મુલાકાત લઈ રહ્યા છે.