બ્રિટનમાં બીબીસી એશિયાઇ નેટવર્કના બિગ ડિબેટ રેડિયો શો દરમિયાન એક વક્તાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિરુદ્ધ અપશબ્દ ઉચ્ચાર્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં લોકોનો રોષ જોવા મળી રહ્યો છે.
બ્રિટનમાં રહેતાં સિખ અને ભારતના લોકો પ્રત્યે નસ્લી ભેદભાવ પર આયોજીત ડિબેટમાં ચર્ચા ભારતમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલન તરફ વળી ગઇ હતી. શો દરમિયાન એક કોલરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદી વિરુદ્ધ આપત્તિજનક શબ્દ કહ્યાં હતાં. આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવી રહ્યો છે.
મોટી સંખ્યામાં લોકો આ અંગે તીખી પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ઘણા લોકો બીબીસીના રેડિયો શોના પ્રસ્તુતકર્તા અને સંગઠન બન્નેની આકરી ટીકા કરી રહ્યાં છે. તો આ મામલે બીબીસી દ્વારા માફી માંગવામાં આવે તેવી પણ ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં લોકો કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી રહ્યાં છે. આ ઓડિયો વાયરલ થયા બાદ ટ્વિટર પર બોયકોટ બીબીસી ટોપ ટ્રેન્ડમાં પહોંચી ગયું છે. જો કે, આ અંગે અત્યાર સુધી બીબીસી તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી.