કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની 145મી જન્મજયંતી પર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું. આ સંબોધનમાં તેમણે કેવિડયા ખાતે થઈ રહેલા વિવિધ વિકાસો કામોની વાત કરી હતી. તો સાથે જ એકતા દિવસ પર ભારત અને ભારતીયોની એક્તાના વખાણ કર્યા હતા. પીએમ મોદીએ પુલવામા હુમલાને લઈને પાકિસ્તાનની સંસદમાં ઈમરાનના મંત્રીના કબૂલનામા પર પણ પ્રતિક્રિયા આપી હતી.
તેમણે પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્યારે આપણા દેશમાં જવાનો શહીદ થયા તે સમયે કેટલાક લોકો રાજનીતિમાં લાગેલા હતા. આવા લોકોને દેશ ભૂલી નહીં શકે. પરંતુ હવે પડોશી દેશે સ્વીકાર્યું છે જેથી આ લોકો પણ ખુલ્લા પડ્યા છે. તેમણે જણાવ્યું કે, કેટલાક લોકો આતંકવાદના સમર્થનમાં ખુલીને સામે આવ્યા છે, જે વિશ્વ અને માનવતા માટે ચિંતાનો વિષય છે. પીએમ મોદીએ કહ્યું કે, આતંકવાદ હિંસાથી કોઈનું કલ્યાણ થશે નહીં, ભારત છેલ્લા કેટલાક દાયકાથી આતંકવાદથી પીડિત છે. શાંતિ અને ભાઈચારો, આદર માનવતાની સાચી ઓળખ છે. સાથે દેશની સરહદની સુરક્ષાને લઈ દુશ્મન દેશો પર પ્રહાર કરતા મોદીએ જણાવ્યું કે, પહેલા કરતા હવે સરદ પર ભારતની દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે. આ ભારતના જવાબથી દુશ્મન દેશો થરથર કાંપવા લાગ્યા છે.