પૂર્વ લદાખમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા તણાવની વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ઈશારામાં ચીન અને પાકિસ્તાનને ચેતવણી આપી દીધી છે.
ડોભાલે દુશ્મન દેશોને કડક સંદેશ આપતા કહ્યું કે ઈતિહાસ સાક્ષી છે કે ભારતે ક્યારે પણ કોઈ પણ દેશ પર હુમલો નથી કર્યો પરંતુ એ નક્કી છે કે જ્યાંથી ખતરો હશે, ત્યાં પ્રહાર કરવામાં આવશે. ચીનની સાથે LAC પર ચાલી રહેલા તણાવની વચ્ચે ડોભાલે એક સભાને સંબોધિત કરતાં કહ્યું કે આ નવું ભારત નવી રીતે વિચારે છે અને અમે ભારતમાં જ નહીં પરંતુ વિદેશી ધરતી પર પણ લડીશું. અમને જ્યાં પણ ખતરો દેખાશે, અમે ત્યાં પ્રહાર કરીશું.
મહત્વનું છે કે એનએસએ ડોભાલે આ નિવેદન ઉત્તરાખંડના ઋષિકેશમાં પરમાર્થ નિકેતન આશ્રમના સંતોને સંબોધિત કરતા આપ્યુ હતું.તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, બીજાની ઈચ્છા મુજબ નહીં ભારત જ્યાંથી ખતરો હશે ત્યાં લડશે. સ્વાર્થ માટે નહીં પણ યુદ્ધ કરીશું, પોતાની જમીન પર અને બહાર પણ યુદ્ધ કરીશું.