ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં ચાલી રહેલ તણાવ હજી યથાવત છે. આ દરમિયાન મોસ્કોમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીની વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રીને સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે સરહદ પર હાલની સ્થિતિમાં કોઈપણ પ્રકારના ફેરફારનો પ્રયાસ ન થવો જોઈએ.
જયશંકરે વાંગ યીને એ પણ કહી દીધું કે, સરહદ સાથે સંકળાયેલા તમામ કરારનું ચુસ્તપણે પાલન થવું જોઈએ. બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ કરી દીધું કે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારતે ક્યારેય યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ નથી કર્યો. તેમણે એ પણ જણાવ્યું કે, ચીને બોર્ડર પરથી પોતાના સૈનિકોની સંખ્યા ઓછી કરવી જોઈએ.
પૂર્વ લદાખના પેન્ગોગ ત્સો લેકના દક્ષિણ કિનારા પર ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે થયેલી ફાયરિંગની ઘટનાથી બંને દેશો વચ્ચે તણાવ ચરમ પર પહોંચી ગયો છે. એવામાં બંને દેશોના વિદેશ મંત્રીઓની આ વાતચીત ખૂબ અગત્યની માનવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે, ભારત અને ચીન વચ્ચે સરહદને લઈ 1993-1996માં સમજૂતી થઈ હતી. જેનો ઉલ્લંઘન થતો હોવાનો પણ ભારતના વિદેશ મંત્રીએ મુદ્દો ઉઠાવ્યો હતો.