નોવા આઇવીએફ ફર્ટિલિટીએ આજે એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દ્વારા 6 વર્ષના બાળકની સફળ સારવારની જાણકારી આપી છે, જેને ભારતના પ્રથમ સેવિયર સિબલિંગ દ્વારા બચાવવામાં આવ્યો છે. એચએલએ-મેચ માટે આઇવીએફ દ્વારા બેબી કાવ્યાનો જન્મ થયો હતો, જે થેલેસેમિયા મેજરથી પીડાતા તેના ભાઇના બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે યોગ્ય હતો. પીજીટી-એમ (પ્રી-ઇમ્પ્લાન્ટેશન જિનેટિક ટેસ્ટિંગ ફોર મોનોજેનિક ડિસઓર્ડર) તરીકે ઓળખાતી આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ થેરાપી સાથે એચએલએ (હ્યુમન લ્યુકોસાઇટ એન્ટિજને) મેચિંગ બેબી કાવ્યાનો જન્મ તેના ભાઇને બચાવવા થયો હતો. સહદેવ સિંહ સોલંકી અને શ્રીમતી અલ્પા સોલંકીના બીજા પુત્ર અભિજિતને થેલેસેમિયા મેજર હોવાનું નિદાન થયું હતું અને તે માસિક બ્લડ ટ્રાન્સફ્યુઝન ઉપર નિર્ભર હતો. સોલંકી દંપત્તિને તેમના બાળકની સારવારના અંતિમ ઉપાય તરીકે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપવામાં આવી હતી.
જોકે, હ્યુમન લ્યુકોસાઇટ એન્ટિજેન (એચએલએ) માટે જરૂરી મેચ શોધવાની અસમર્થતાને કારણે પરિવાર લાચાર બન્યો હતો. પોતાના બાળકને બચાવવા તેમણે દેશભરના ડોક્ટર્સની સલાહ લીધી હતી. શ્રીમાન સોલંકીએ સારવારના વિકલ્પો માટે પોતે સંશોધન કર્યું અને તેમને સેવિયર સિબલિંગ શબ્દ અંગે જાણકારી મળી. આનાથી તેમને આશા મળી અને પોતાના બાળકને બચાવવા નવીન ક્લિનિકલ અભિગમને અમલમાં મૂકવા તેઓ અમદાવાદમાં નોવા આઇવીએફ ફર્ટિલિટીના મેડિકલ ડાયરેક્ટર ડો. મનિષ બેન્કરને મળ્યાં. આ પ્રકારની વિશિષ્ટ તબીબી અજાયબી હાથ ધરવા અંગે નોવા આઇવીએફ ફર્ટિલિટીના મેડિકલ ડાયરેક્ટર ડો. મનિષ બેન્કરે જણાવ્યું હતું કે, “અમે એઆરટીના મેડિકલ વિશિષ્ટતાઓ દ્વારા પ્રથમવાર સેવિયર સિબલિંગની રચના કરીને ભારતના ઇતિહાસમાં રિપ્રોડક્ટિવ ઇતિહાસનો હિસ્સો બનવા અંગે અત્યંત ઉત્સાહિત છીએ. અભિજિતના કેસમાં ટ્રાન્સપ્લાન્ટ માટે મેચ્ડ હ્યુમન લ્યુકોસાઇટ એન્ટિજેન (એચએલએ) દાતાની ઉપલબ્ધતા ન હોવાનું જોતાં અમે પ્રી-જિનેટિક ડાયગ્નોસિસ એન્ડ સ્ક્રિનિંગ ટેસ્ટ (પીજીડી અને પીજીએસ) સાથે મેચિંગ ધરાવતા એચએલએ સાથે આઇવીએફ કરવાનો નિર્ણય કર્યો. એચએલએ માટેની આ પ્રક્રિયા બાળકને જન્મ આપવાની સ્થાપિત પદ્ધતિ છે, જે ગંભીર બિમારી ધરાવતા સિબલિંગને બચાવવા માટે ટ્રાન્સપ્લાન્ટેશન કોર્ડ બ્લડ અથવા હેમાટોપોએટિક સ્ટેમ સેલ્સ દાન કરી શકે. એચએલએ-આઇડેન્ટિકલ ડોનર પાસેથી બોન મેરા ટ્રાન્સપ્લાન્ટેશન થેલેસેમિયા મેજર દર્દીઓ માટે ઉત્તમ થેરાપ્યુટિક વિકલ્પ છે.”