ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનની શોર્યગાથાની સ્ટોરીવાળી વીડિયો ગેમ Indian Air Force: A Cut Above ને અત્યાર સુધી 10 લાખથી પણ વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે. ઇન્ડિયન એર ફોર્સ: અ કટ અબોવ એક મલ્ટિ પ્લેયર ગેમ છે. ગેમ રમનારો પ્લેયર પોતે પાઇલટ જેવો અહેસાસ કરી શકે છે. આ વીડિયો ગેમ એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ પર અવેલેબલ છે. ઉલેખનીય છે કે, ગૂગલે Indian Air Force: A Cut Above ની ગેમને બેસ્ટ ગેમ્સ 2019ની યુઝર્સ ચોઈસ ગેમ કેટેગરીમાં નોમિનેટ કરી છે. ઇન્ડિયન એરફોર્સે પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી યુઝર્સને આ ગેમને વોટ કરવાની આજીજી કરી છે,
જેથી તે યુઝર્સ ચોઈસ ગેમ 2019નો અવોર્ડ જીતી શકે. આ ગેમને 31 જુલાઈએ લોન્ચ કરાઈ હતી. ગેમ લોન્ચ કરવા પાછળનો હેતુ ઇન્ડિયન એરફોર્સ તરફ લોકોને આકર્ષિત કરવાનો હતો. આ ગેમની શરૂઆત એ જ ફાઈટર પ્લેન મિગ-21 વિમાન સાથે થાય છે, જેનાથી વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનના એફ-16 વિમાનને પાડી દીધું હતું. ગેમમાં મિગ-21 સિવાય ભવિષ્યમાં એરફોર્સમાં સામેલ થનાર રાફેલને પણ સામેલ કરવામાં આવ્યું છે. આ ગેમ ઘણી ચેલેન્જ ભરેલી પણ યુઝર ફ્રેન્ડલી છે.