ચેક રિપબ્લિકે અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડનાર આરોપી નિખિલ ગુપ્તાને પ્રત્યાર્પણ કર્યું છે. ફેડરલ બ્યુરો ઑફ પ્રિઝન્સની વેબસાઈટ અનુસાર ગુપ્તાને અમેરિકા મોકલવામાં આવ્યો છે. અમેરિકન પ્રશાસનની વિનંતી પર ગયા વર્ષે જૂનમાં નિખિલ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી. આરોપ છે કે તે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ બન્નુની હત્યાના કાવતરામાં સામેલ હતો. નિખિલ ગુપ્તાને સોમવારે ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. હાલમાં તેને બ્રુકલિનમાં મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે પન્નુ અમેરિકામાં રહીને ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે. તે ઘણીવાર હિંદુઓને ધમકાવતો જોવા મળે છે. યુએસ ફેડરલ પ્રોસિક્યુશનએ કહ્યું હતું કે ગુપ્તાએ ભારતીય અધિકારીઓ સાથે મળીને પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આ પછી ગુપ્તાની પ્રાગમાં ધરપકડ કરવામાં આવી હતી.
નિખિલ ગુપ્તાએ ચેક રિપબ્લિકમાં પ્રત્યાર્પણ વિરુદ્ધ અરજી કરી હતી જેને ફગાવી દેવામાં આવી હતી. યુએસ સરકારનું કહેવું છે કે ગુપ્તાએ પન્નુની હત્યા કરવા માટે હિટમેનને હાયર કરવાનો પ્રયાસ કર્યો હતો. તમને જણાવી દઈએ કે પન્નુ પાસે અમેરિકા અને કેનેડાની બેવડી નાગરિકતા છે. ભારતે તેને UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે 23 નવેમ્બર 2023ના રોજ પ્રાગ હાઈકોર્ટે નિખિલ ગુપ્તાના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. ગુપ્તાએ આ નિર્ણય સામે બંધારણીય અદાલતમાં અરજી કરી હતી. જોકે આ અરજી પણ ફગાવી દેવામાં આવી હતી.
કોર્ટે કહ્યું કે અમેરિકા દ્વારા આપવામાં આવેલા પુરાવા અને દસ્તાવેજોની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય આપવામાં આવ્યો છે. આરોપ છે કે ગુપ્તાએ હિટમેનને 80 લાખ રૂપિયા રોકડા આપવાનું વચન આપ્યું હતું. આરોપોમાં એવું પણ કહેવાયું છે કે ગુપ્તાને ભારતીય અધિકારી પાસેથી સૂચનાઓ મળી રહી હતી. જોકે, કોઈ અધિકારીનું નામ આપવામાં આવ્યું ન હતું.