એશિયા કપ 2022 27 ઓગસ્ટથી શરૂ થશે. જેમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે રમશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે. તેઓ આ ટુર્નામેન્ટની પ્રથમ ચેમ્પિયન ટીમ પણ છે. ભારતે 1984માં પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવીને ખિતાબ કબજે કર્યો હતો. આ દરમિયાન સુરિન્દર ખન્નાએ ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
એશિયા કપની પ્રથમ આવૃત્તિ 1984માં યોજાઈ હતી. જેમાં ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમોએ ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. જેમાં શ્રીલંકાએ 5 વિકેટે જીત મેળવી હતી. જ્યારે બીજી મેચમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 170 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી.ત્રીજી મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું.
ત્રીજી મેચમાં પ્રથમ બેટિંગ કરતા સુનીલ ગાવસ્કરની આગેવાની હેઠળની ભારતીય ટીમે 46 ઓવરમાં 188 રન બનાવ્યા હતા. આ દરમિયાન ભારતે 4 વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર સુરિન્દર ખન્નાએ 56 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 72 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અર્ધસદી ફટકારી હતી. બીજી તરફ સંદીપ પાટીલે 50 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા. કેપ્ટન ગાવસ્કર 36 રન બનાવીને અણનમ રહ્યો હતો.
ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ 39.4 ઓવરમાં 134 રનમાં સમેટાઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી મોહસીન ખાને સૌથી વધુ 35 રન બનાવ્યા હતા. જ્યારે ઝહીર અબ્બાસ 27 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન ભારત તરફથી રવિ શાસ્ત્રી અને રોજર બિન્નીએ શાનદાર બોલિંગ કરી હતી. શાસ્ત્રીએ 10 ઓવરમાં 40 રન આપીને 3 વિકેટ લીધી હતી. બિન્નીએ 9.4 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ લીધી હતી.