ભારતે સતત બીજીવાર ઓસ્ટ્રેલિયાને તેમના જ હોમ ગ્રાઉન્ડ પર હરાવ્યું છે. ભારતીય ટીમે બોર્ડર ગાવસ્કર ટ્રોફી કબજે કરી છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી શ્રેણીની ચોથી અને છેલ્લી ટેસ્ટના અંતિમ દિવસે ભારતે લડાયક બેટિંગ કરીને ટેસ્ટ મેચ જીતી હતી. મેચ જીતવાની સાથે જ ભારતે શ્રેણી પર 2-1થી કબજો કર્યો હતો. આ સાથે ભારતે સતત બીજી વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી હતી.
ભારત તરફથી ચેતેશ્વર પુજારાએ 211 બોલમાં 56 રન, ગિલે 146 બોલમાં 91 રન બનાવ્યા હતા. સુંદરે 22 રનનું યોગદાન આપ્યું હતું. પંત 89 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. આ જીત સાથે જ ભારતે ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર 32 વર્ષ બાદ હારનો સ્વાદ ચખાડ્યો છે.
મહત્વનું છે કે, શ્રેણીની પ્રથમ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા જીત્યું હતું, જ્યારે બીજી ટેસ્ટમાં ભારતનો વિજય થયો હતો અને ત્રીજી ટેસ્ટ ડ્રો ગઈ હતી. ચોથા દિવસના અંતે ભારતે વિના વિકેટ 4 રન બનાવ્યા હતા.
ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગમાં 294 રન બનાવી ઓલઆઉટ થયું હતું. જેના કારણે ભારતને મેચ જીતવા 328 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 73 રનમાં 5 અને શાર્દુલ ઠાકુરે 61 રનમાં 4 વિકેટ ઝડપી હતી.