દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસની વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. વર્ષ 2025 સુધી ભારત ફરી એકવાર દુનિયાની પાંચ સૌથી મોટી અર્થવ્યવસ્થામાં સામેલ થઈ જશે અને બ્રિટન છઠ્ઠા નંબર પર પહોંચી જશે. રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે ઈન્ડિયન ઇકોનોમી ઝડપથી રિકવર કરશે.
આ ઉપરાંત વર્ષ 2030 સુધી ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પૈકી એક હશે. નોંધનીય છે કે, હાલના સમયમાં ભારત દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. બ્રિટનના પ્રમુખ સેન્ટર ફોર ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચ એ શનિવારે પ્રકાશિત એક વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું કે કોરોના મહામારીના કારણે દેશની અર્થવ્યવસ્થાને મોટો આંચકો લાગ્યો છે. પરંતુ તમામ દેશ ધીમે-ધીમે રિકવર થઈ રહ્યા છે.
વર્ષ 2019માં ભારતે બ્રિટનને પછાડી દીધું હતું,પરંતુ મહામારીના કારણે ફરી એકવાર બ્રિટન ભારતને પછાડીને આગળ જતું રહ્યું છે. રિપોર્ટ મુજબ, બ્રિટન 2024 સુધી ભારતથી આગળ રહી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે 2021માં ભારતની વૃદ્ધિ 9 ટકા અને 2022માં 7 ટકા રહેશે. CEBRનું માનવું છે કે ભારત ધીમે-ધીમે આર્થિક રીતે મજબૂત થઈને આગળ વધશે. 2025માં તેનો વાર્ષિક વૃદ્ધિ દર 5.8% જ હશે. આ ગ્રોથના કારણે ભારત 2030 સુધી ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બનશે.