પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ તણાવ વચ્ચે ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS જનરલ બિપિન રાવતે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારતીય સેના અને સુરક્ષા દળ ન માત્ર સીમાઓ પર સંપૂર્ણ રીતે તૈયાર છે, પરંતુ દેશની જરૂરીયાતો મુજબ તેઓ પાડોશી દેશોમાં પણ સ્થિરતા તરફ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
બિપિન રાવતે કહ્યું કે, સુરક્ષાની જરૂરીયાત સતત વધી રહી છે. તેમ છતાં ભારત ના માત્ર આંતરરાષ્ટ્રીય સીમાઓ, એલએસી, એલઓસી પર પરંતુ વ્યૂહાત્મક રીતે જટિલ પડોશીઓની પણ રક્ષા કરવામાં સક્ષમ છે.
સીડીએસ રાવતે કહ્યું કે ભારતીય સુરક્ષા દળનુ માળખુ એવુ છે કે તે જરૂરિયાત મુજબ પોતાનામાં ઝડપી ફેરફાર કરવામાં સક્ષમ છે અને તેઓ કમાન્ડ સ્તર પર પરસ્પર સહયોગ વધારી દેશની સુરક્ષા કરી રહી છે. આપને જણાવી દઇએ કે, ભારત-ચીન વચ્ચે લદાખમાં તણાવ જારી છે. બંને દેશોની સેનાઓનો જમાવડો પણ હાલ એલએસી પર છે. ભારત પણ હાલ સૈન્ય કાર્યવાહી તેમજ ચીની અધિકારીઓ સાથે વાતચીત એમ બન્ને વિકલ્પો પર કામ કરી રહ્યું છે.