એકબાજુ ભારતીય સેના પહેલાથી જ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સામે ઓપરેશન ચલાવી રહી છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી લદ્દાખમાં એલએસી પર ચીની સૈનિકો દ્વારા કરવામાં આવેલ હુમલામાં 20 ભારતીય જવાન શહિદ થયા હતા.
ત્યારે ગલવાન ઘાટીમાં ચાલી રહેલ સરહદ વિવાદની વચ્ચે પાકિસ્તાનની પોતાની નાપાક હરકત યથાવત છે. ખાનગી ચેનલના અહેવાલમાં જણાવાયું છે કે, પાકિસ્તાન દ્વારા એલઓસી પર પોતાના સૈનિકોની સંખ્યાબળ વધારવામાં આવી રહ્યું છે.
સુત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાને પોતાની લાઇન ઓફ કંટ્રોલ પર પોતાની સૈન્ય તાકાત વધારી દીધી છે. રાવલપિંડી, લાહોર, ફૈઝલાબાદ, એબટાબાદ અને મુલ્તાનમાં તૈનાત ઘણી બટાલિયનને LoC પર લાવવામાં આવી છે. હાલના સમયે જ્યારે ભારતનો ચીન સાથે સરહદ પર વિવાદ ચાલી રહ્યો છે ત્યારે પાકિસ્તાનની LoC પર પોતાની સૈન્ય તાકાત વધારવામાં આવતા ભારત માટે વધુ મુશ્કેલી સર્જી શકે છે.
પાકિસ્તાને 7 જૂન પછી રીફોર્સમેન્ટ તરીકે પોતાની 15 વધારાની બટાલિયન પૂંછ અને કુપવાડા સામે તૈનાત કરી દીધી છે. આ ઉપરાંત પાકિસ્તાનની 28 પાકિસ્તાન રાઇફલ રજીમેન્ટને PoKના કોટલીમાં થર્ડ બ્રિગેડમાં એટેચ કરવામાં આવી છે. આ સિવાય 9 આઝાદ કાશ્મીર રેજિમેન્ટને રાવલકોટમાં સેકેન્ડ બ્રિગેડ સાથે અટેચ કરવામાં આવી છે.