ચીન દ્વારા ફરી એકવાર ભારતીય સીમામાં ઘુસણખોરીની ઘટના સામે આવ્યા બાદથી બન્ને દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાયેલી છે. છેલ્લા ઘણા દિવસોથી પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે સીમા પર ચાલી રહેલાં તણાવને લઈ બંને પક્ષો વચ્ચે લેફ્ટનન્ટ જનરલ સ્તરની વાતચીત યોજાઈ હતી.
સીમા પર ચાલી રહેલાં ગતિરોધને ખતમ કરવા માટે બંને દેશો વચ્ચે આ પહેલો મોટો પ્રયાસ છે. બંને દેશોની વચ્ચે સૈન્ય અને કૂટનીતિક સ્તર પર વાતચીતનો સિલસિલો હજુ ચાલુ રહેશે…લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંહ અને તેમના સમકક્ષ ચીની મેજર જનરલ લિયુ લિન વચ્ચે આ બેઠક યોજાઈ હતી. આ બેઠક ભારત-ચીન સરહદ નજીકના ચુશુલ મોલ્ડો ખાતે યોજાઈ હતી.
14 કોર્પ્સના કમાન્ડર લેફ્ટિનેન્ટ હરિંદરસિંહ બેઠક બાદ લેહ પરત ફર્યા હતા. ભારતીય આર્મીના સુત્રોના જણાવ્યા મુજબ સરહદ પર વધી રહેલ તણાવને લઈ આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.
આપને જણાવી દઈએ કે, ચીને બેઠક પહેલા જ પોતાનો કમાન્ડર પણ બદલી દીધો હતો. ભારતીય સરહદની દેખરેખ ચીનની વેસ્ટર્ન થિયેટર કમાન્ડ કરે છે. ચીની સેનાએ હવે આના પર શૂ ચિલિંગની તૈનાતી કરી છે. શૂ ચિલિંગ આ પહેલા ઈસ્ટર્ન કમાન્ડમાં પોતાની સેવા આપી ચુક્યા છે.