કોરોના વેક્સીનને લઇ ભારતમાં વધુ એક પગલું ભરવામાં આવ્યુ છે. ભારત બાયોટેકે કોરોનાની એવી રસી બનાવી છે જે નાકમાંથી આપી શકાય છે. કંપનીએ દેશમાં નેસલ રસીના ટ્રાયલને મંજૂરી આપવા માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)ને પ્રપોઝલ મોકલી દીધું છે.
જો ટ્રાયલમાં આ રસીને સફળતા પ્રાપ્ત થાય છે તો દેશમાં કોરોનાની વિરૂદ્ધ જંગમાં મોટી સફળતા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે આ રસીને ખભા પર ઇન્જેકશનથી નહીં પરંતુ નાક દ્વારા અપાય છે. રિસર્ચમાં જાણવા મળ્યું કે આ વધુ અસરકારક હોય છે.
ભારત બાયોટેકે વૉશિંગ્ટન યુનિવર્સિટીની સાથે મળીને Nasal રસી પર રિસર્ચ કર્યું છે અને તેને તૈયાર કરી છે. એવામાં હવે ભારતમાં પહેલાં અને બીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરી માંગવામાં આવી છે. કંપનીના મતે શરૂઆતમાં તેનું ટ્રાયલ નાગપુર, ભુવનેશ્વર, પૂણે અને હૈદરાબાદ જેવા શહેરોમાં કરાશે. મળતી માહિતી મુજબ આ રસીના ટ્રાયલ માટે 18 થી 65 વર્ષ સુધીના લોકોને વોલેન્ટિયર તરીકે લેવાશે જેથી કરીને ટ્રાયલ સફળતાપૂર્વક ચલાવી શકાય. જોકે હવે જોવુ એ રહેશે કે આ રસીને ડીસીજીઆઈ દ્વારા મંજૂરી મળે છે કે નહીં.