ભારત-ચીન વચ્ચે એલએસી પર તણાવ વધી રહ્યો છે તેવી સ્થિતિમાં હવે આની અસર બન્ને દેશોના વેપાર-ધંધા પર જોવા મળી રહી છે. ચીન સાથેનું વાતાવરણ ગરમાતા હવે હીરા ઉદ્યોગકારોની ચિંતા વધી છે. આ ઘટના બાદ ભારત સરકારે ચીને ઘણા પ્રકારે ઘેર્યું હતું. કેન્દ્ર સરકાર તરફથી ઘણી એપ્લિકેશન પર પણ પ્રતિબંધ મૂક્યો હતો, જેનું મોટું આર્થિક નુકસાન ચીનને થયું છે, ત્યારે હવે એક મોટી ઘટના ચીનમાં બની છે.
ચીન દ્વારા ભારત અને હોંગકોંગ સાથે જોડાયેલા હીરા ઉદ્યોગકારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. મળતી વિગત અનુસાર, ચાઈનાની લોકલ કુરિયર કંપનીઓ થકી હોંગકોંગથી ચીન હીરાના પાર્સલને વર્ષોથી મોકલવામાં આવે છે. તેવામાં ચીનના ગોન્ઝાઉ, શેનઝેન અને પેન્યુમાંથી 100 જેટલા વ્યક્તિઓની 200 હીરાના પાર્સલ સાથે ધરપકડ કરવામાં આવી છે. જેનો રેલો હોંગકોંગમાં કંપની ધરાવતાં સુરતના હિરા ઉદ્યોગકાર તેમજ મુંબઈના મોટા હીરા ઉદ્યોગકારો સુધી પહોંચે તેવી વકી છે.
ચીનના કસ્ટમ વિભાગે ઝડપી પાડેલા દાણચોરીના રેકેટમાં સુરતના ઉદ્યોગકારની પણ પૂછપરછ થવાની શક્યતા રહેલી છે. કારણ કે ચીનમાં ઝડપાયેલા દાણચારીના હીરામાં મૂળ ભાવનગરના વતની અને સુરતમાં હીરાનો વ્યવસાય કરતા વેપારીના પણ હીરાના પેકેટ મળી આવ્યા હોવાની ચર્ચા સુરતના હીરાઉદ્યોગકારોમાં ચાલી રહી છે. આ ઉપરાંત હીરા ઉદ્યોગમાં એવી પણ ચર્ચા શરૂ થઇ છે કે હીરાની દાણચોરીનું રેકેટ ચીનમાં ઝડપાયા બાદ આગામી એક મહિના સુધી હોંગકોંગમાં હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલાઓએ એક મહિના સુધી સ્વૈચ્છિક રીતે કામગીરી બંધ કરી દેવાનો નિર્ણય કર્યો હોવાની પણ વિગતો જાણવા મળી છે. મહત્વનું છે કે જાન્યુઆરી 2010માં પણ સુરત અને મુંબઈના 22 હીરા વેપારીઓ સ્મગલિંગના કેસમાં ઝડપાયા હતા, જે સ્મગલિંગના આરોપસર ચીનમાં 3 વર્ષ જેલમાં રહ્યા હતા.